Mysamachar.in-અમદાવાદ
દહેગામ. કોરોનાના પગલે ઓનલાઈન ક્લાસીસ અંગે ચાલતા વિવાદ વચ્ચે દહેગામમાં ભણવા માટે ટીવી ચાલુ કરનાર એક વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત થયું છે. દહેગામના પરા વિસ્તારમાં આવેલા રામાજીના છાપરા ખાતે ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઓનલાઇન અભ્યાસ માટે ટીવી ચાલુ કરતા તેને અચાનક કરંટ લાગ્યો હતો. ઓનલાઇન અભ્યાસ માટે ટીવી ચાલુ કરતા કરંટ લાગવાના કારણે મોતને ભેટનાર રામાજીના છાપરા પ્રાથમિક શાળાના ધો.4ના વિદ્યાર્થી વનરાજસિંહ રૂપસિંહ પરમારના મોટાભાઇ કાળુસિંહ પરમારે જણાવ્યું હતું કે….
શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ટીવીમાં ઓનલાઇન શિક્ષણનું પ્રસારણ થતું હોવાની વાત સાંભળી મારા ભાઇએ ટીવી ચાલું કરતા મારા ભાઇને અચાનક કરંટ લાગ્યો હતો, જેણે એકદમ બૂમ પાડતાં મારા બા તેને છોડાવવા જતાં તેમને પણ ઝાટકો લાગ્યો હતો. હું નજીકમાં હોવાથી તરત જ મેં મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેને રિક્ષામાં ખાનગી દવાખાને લઇ ગયા હતા. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓનલાઇન અભ્યાસનું પ્રસારણ જોવા જતાં એક પરિવારનો દીપક બુઝાઇ જતાં તેના પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું.