Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં સરકારી ચોપડે હવે રોજેરોજ 1000થી પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. કેસની સાથો સાથ મૃતાંકનો ગ્રાફ પણ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. સાથે જ કોર્ટે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કહ્યું છે કે, જ્યાં સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને આવતા અટકાવવામાં આવે. સાથે માસ્ક ના પહેરનારાઓને ફટકારવામાં આવતી દંડની રકમ પણ બમણી કરી દેવામાં આવે..
કોરોના વાયરસને લઈને દાખલ કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. હાઈકોર્ટે કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ટકોર કરતા રાજ્યની રૂપાણી સરકારને કહ્યું છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને રોકવા જોઈએ. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકોના ભલા માટે આ પ્રકારના અનેક આકરા નિર્ણય લેવાની સલાહ આપી હતી. કોઈ નારાજ થશે તેની ચિંતા કરવાની સરકારે કોઈ જ જરૂર નથી. આમ હાઈકોર્ટે કોરોના વાયરસની ગંભીર સ્થિતિને લઈને રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે.