Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદના સારા રાઉન્ડ બાદ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ બાદમાં પડ્યો નથી ત્યારે હવે જે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો ત્યાંના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈં રહ્યા છે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24થી 26 જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.