Mysamachar.in-અમદાવાદ:
એક તરફ કોરોનાના કહેર વચ્ચે કેટલાય લોકોની સ્થિતિ ખુબ કફોડી બની છે, મહિનાઓ સુધી ધંધા રોજગાર બંધ રહ્યા બાદ ખાનગી શાળાઓ વાલીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાને નામે ફી આપવા માટે દબાણ કરી રહી છે, એવામાં રાજ્યના વાલીઓ માટે એક રાહતના સમાચાર આજે એ આવી રહ્યા છે કે સ્કૂલ ફી મુદ્દે… વાલીઓ પાસેથી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં માગી શકે તેવો હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે. એક તરફ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે, ત્યારે બેફામ ફી મુદ્દે વાલીઓએ કોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી થતા બેફામ ફી ઉઘરાવતા સંચાલકોને હાઈકોર્ટે ફટકાર આપી છે. સ્કૂલ સંચાલકો વાલીઓને ફી માટે દબાણ નહીં કરી શકે. અને જો તેમ છતાં કોઈ સ્કૂલના સત્તાધીશો ફી અંગે દબાણ કરાય તો DEO પગલા ભરે તેવો આદેશ પણ કરાયો છે,
હાઈકોર્ટે આજે પીટિશન પર સૂનાવણી કરતા જણાવ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે.કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવતા સ્કૂલ સત્તાધીશોમાં નિરાશા વ્યાપી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે.