Mysamachar.in-અમદાવાદ
આ કિસ્સો એવો છે કે એક યુવાને મહિલાને Paytmથી રિચાર્જ કરી આપ્યું હતું. જે બાદમાં મોબાઈલ નંબર મેળવીને યુવકે મહિલા સાથે વાતચીત શરૂ કરી હતી અને તેણીના પ્રેમમાં પડ્યો હતો. જોકે, મહિલાએ પ્રેમનો ઇન્કાર કરતા જ યુવાને પહેલાં તેની જાતે જ હાથ પર બ્લેડ મારી લીધી હતી અને ત્યારબાદ મહિલાના પેટમાં છરી મારી દેવાનો ચોંકાવનારો અને વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના ગીતા મંદિર રોડ પર રહેતી એક મહિલા મોબાઈલનું રિચાર્જ કરવા માટે બહેરામપુરા રોડ પર જઈ રહી હતી. આ દરમિયાન તેમણે એક યુવાનને રિચાર્જની દુકાન માટે સરનામું પૂછ્યું હતું. જેથી આ યુવાનને તેના મોબાઈલથી મહિલાને Paytm મારફતે રિચાર્જ કરી આપ્યું હતું. ત્યારબાદ આ યુવાન વારંવાર મહિલાને ફોન કરતો હતો. જોકે, મહિલાએ તેને ફોન કરવાની ના પાડતા જ તે તેનો પીછો કરતો હતો. એક દિવસ તેણે મહિલાનો પીછો કરી ગંદી ગાળો આપી પોતાના હાથ પર જ બ્લેડના ઘા મારી દીધા હતા.
એવામાં થોડા દિવસો પૂર્વે ભુલાભાઈ પોલીસ ચોકી પાસેથી મહિલા પસાર થઈ રહી હતી ત્યારે આરોપી કમલેશે તેણીનો હાથ પકડી લીધો હતો અને તેણીના પેટના ભાગે છરી મારી દીધી હતી. સાથે યુવાને મહિલાને ધમકી આપી હતી કે જો કોઈને કહી દેશે તો જાનથી મારી નાખશે. મહિલાએ ડરના કારણે આ વાતની જાણ કોઈને કહી ન હતી. બીજા દિવસે મહિલાની તબિયત બગડતાં તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.