Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં શહેરમાં છુટાછવાયા ઝાપટાઓ પડે છે, જેને કારણે ગરમીનો પ્રકોપ ઉકળાટ વધે છે, ત્યારે આજે રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે આજે કેટલાક માધ્યમો સાથે વાતચીત કરતા વધુ એક વખત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા દર્શાવવામાં આવી છે, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે મુંબઈ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
જેથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ 6 તારીખ એટલે કે આવતીકાલથી પૂરા રાજ્યમાં છવાઈ જશે, જેને કારણે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. જ્યારે 10 જુલાઈ સુધીમાં આખું રાજ્ય આવરી લેશે. આજે પણ જામનગરના લાલપુર અને જામજોધપુર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કેટલાક ગામોમાં વરસાદ પડવાની શરુઆત થઇ ચુકી છે.