Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ મોડ્સ ઓપેરેન્ડીથી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવીરહ્યા છે. આવા કિસ્સામાં વધુ એક ઉમેરો થયો હોય તેમ સોલા પોલીસસ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયાનું બુચ લાગી ગયાની ફરિયાદ નોંધાઈ છે, સોલામાં રહેતા જીકેન પટેલ કાપડનો શો રૂમ ધરાવી બિઝનેસ કરે છે. ગત 25મીએ તેને એક અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હયો. બાદમાં મિસ્કોલ આવેલા નંબર પર તેઓએ ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું કે હું સુરેશ પટેલ બોલું છું, તમે પૂજન સિલેક્શનમાંથી બોલો છો? આમ કહી ફોન કરનારે પોતે પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રમાંથી બોલે છે અને જીકેન ભાઈને મશીન, પ્રમાણપત્ર અને 1800 રૂપિયા લાગ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં વોટ્સએપ નંબર પર જીકેનભાઈને ફોટો મોકલી આપતા તેઓ આ જાળમાં ફસાયા હતા.
બાદમાં ફોન કરનારે કહ્યું કે, આ બધું મેળવવા માટે કાલુપુર બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. જેથી જીકેન ભાઈ પાસે પાસબુકના પહેલા પેજનો ફોટો, આધારકાર્ડ માગવામાં આવ્યું હતું. જીકેન ભાઈએ તે બધું મોકલાવી દીધું હતું. બાદમાં સામે વાળા ઠગ શખ્સે ઓટીપી આવશે તેમ કહી જીકેનભાઈ અને તેમના પરિવારના અન્ય એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 1.98 લાખ રૂપિયા સેરવી લીધા હતા. સમગ્ર બાબતમાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા જ તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જીકેનભાઈએ પુરાવા સાથે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.