Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં લગભગ લોકો પાસે એટીએમ કાર્ડ હશે અને એટીએમ કાર્ડનો જરૂર પડ્યે ઉપયોગ પણ કરતા હશે, પણ અમદાવાદમાં સામે આવેલ એક ઘટના થોડી ચોંકાવનારી એટલા માટે છે કે એટીએમમાં થી પૈસા ના ઉપડતા કસ્ટમર કેરમાં ફોન કરવાનું એક વ્યક્તિને ભારે પડી ગયું અને તેને હજારો સામા ગુમાવવાનો વારો આવ્યો છે,વાત એવી છે કે અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતા મનોહરભાઈ ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓને એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે અને ગત 22 તારીખના સાંજે તેઓને રૂપિયાની જરૂર ઉભી થઈ હોય તે ઘર નજીક પંજાબ નેશનલ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. ત્યાં 3500 રૂપિયા કાઢવા પ્રોસેસ કરી હતી. પણ મશીનમાં રૂપિયા ન હોવાથી તેઓના રૂપિયા મેળવી શક્ય નહોતા, પરંતુ તેઓના 3500 રૂપિયા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હોવાનો મેસેજ તેઓને આવ્યો હતો. જેથી તેમણે ગૂગલમાંથી એસબીઆઈ બેંકના કસ્ટમર કેરનો નમ્બર શોધ્યો અને બાદમાં 18002086289 પર ફોન કર્યો હતો.
મનોહરભાઈએ તેમની ફરિયાદ આપતા ગણતરીના સમયમાં એક લિંક આવી હતી. બાદમાં તે લિંક પર ઓકે બટન દબાવતા તેમના 3500 રૂ. પાછા ક્રેડિટ થઈ ગયા હતા. જોકે, ફરી તેઓના મોબાઈલ નંબર પર કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે ફરીથી રૂપિયા ન કપાય તે માટે અમારા સિનિયરનો ફોન આવશે તે કહે તેમ પ્રોસેસ કરજો. બાદમાં ફોન કરનાર વ્યક્તિએ મનોહરભાઈ પાસે QS એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ ડાઉનલોડ કરાવી ગુગલ પે પર ટુકડે ટુકડે 43 હજાર રૂપિયા મંગાવી લીધા હતા. મનોહરભાઈએ પૈસા કેમ ટ્રાન્સફર કરાવ્યા તેવું પૂછતાં જ ફોન કરનારે તે પૈસા પરત એકાઉન્ટમાં જ જમા થશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. 43 હજારનું ફ્રોડ થતા સાયબર ક્રાઇમમાં મનોહર ભાઈએ અરજી આપ્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ફરિયાદ આપતા પોલીસે આ અંગે તપાસ શરુ કરી છે.