Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે, અને લાંચિયા બાબુઓ કરોડોની બેનામી સંપતિ ટેબલ નીચેની આવકથી એકઠી કરી રહ્યા છે, વાત છે અમદાવાદ જીલ્લાની એલસીબીમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા ની જેની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી ધરપકડ કરી છે, કોન્સ્ટેબલ પાસે તેની આવક કરતાં 129 ટકા વધારે એટલે કે, 84.67 લાખની વધુ સંપતિ મળી આવી છે. બે વૈભવી કાર, દીકરાના એકાઉન્ટમાં ૨૨ લાખ, ૧૫ લાખ, વેજલપુરમાં 26 લાખનું ટેનામેન્ટ, મોરૈયા સીમમાં 8 લાખનો ફ્લેટ પણ મળ્યો છે.
અમદાવાદ જિલ્લાની એલસીબીના વિરમગામ બીટમાં ફરજ બજાવતા જગદીશચંદ્ર વરલી મટકાનો જુગાર ચલાવતા કૌશિક ઠાકોરના ત્યાં જઈ 50 હજારની માંગણી કરી હતી. આમ 40 હજાર નક્કી કરી પોતાને અથવા મળતિયા દશરથ નામના શખસને આપવાનું જણાવ્યું હતું. આ અંગે એસીબીના ડીવાયએસપી એન. ડી. ચૌહાણે તપાસ કરતા બે મકાનના દસ્તાવેજ મળી આવ્યા હતા. આમ આવકના સાધનો કરતા 84.67 લાખ વધુ હોવાનું બહાર આવ્યું હતું.
વિરમગામ હાસલપુર ચોકડી ખાતેથી રૂપિયા ચાલીસ હજારની લાંચ લેવાના કેસમાં એસીબીના હાથે ઝડપાયેલા અમદાવાદ જિલ્લા એલસીબીના કોસ્ટેબલ જગદીશ ચાવડા પાસેથી 84 લાખથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા કેસ નોંધાયો છે. મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદે જગદીશભાઈ ચાવડા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની આક્ષેપ બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરવા આદેશ કર્યો હતો.
તપાસ દરમ્યાન આક્ષેપિતનાઓ દ્વારા તેમના નામે બાજીગર સોસાયટી, વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ, વેજલપુર, અમદાવાદ માં ટેનામેન્ટ કે જે સરકાર માન્ય અને એપેનલ્ડ વેલ્યુઅર પાસે વેલ્યુએશન કરાવવામાં આવેલ જેમાં તેની કિંમત અંદાજીત 26,00,000 જેટલી ગણવામાં આવેલ છે અને કેસર સીટી, મોરયા સીમ, સુયોગ સેકટર માં ફ્લેટ જેની અંદાજીત કિંમત ₹.8,00,000/- આમ કુલ 34,00,000 જેટલી થાય છે.તપાસ દરમિયાન આક્ષેપિત પત્નીના નામે વૈભવી મોટર કાર જેવી કે જીપ અને વન કાર જેની અંદાજીત કિંમત 32,00,000 જેટલી મળી આવેલ છે. આમ, જગદીશભાઈ કાળીદાસ ચાવડા કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી, ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988ની કલમ 13(1) (બી) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરાવેલા સદર ગુનાની તપાસ કે.આર.સક્સેના, પો.ઈન્સ.અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનનાઓને સોપવામાં આવી છે.