Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે પેટ્રોલ-ડીઝલમાં સતત 18 મા દિવસે ભાવ વધારો ઝીંકીને લોકોની કમર તોડી નાંખી છે. ત્યારે રાજ્યમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે આક્રમક વલણ વચ્ચે ઘરણાં અને આંદોલનનો કરી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે, છેલ્લા 18 દિવસમાં સરકારે ભાવવધારો કરીને પ્રજા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે, આજે 40 ડોલરે એક બેરલ મળે છે તો પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કેમ ઝીંકવામાં આવે છે? અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં ઘરેલુ બજારમાં ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 19 દિવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. 19માં દિવસે ડીઝલમાં 14 પૈસા જ્યારે પેટ્રોલમાં 16 પૈસાનો વધારો ઝીંકાયો છે.
જ્યારે છેલ્લા 19 દિવસની વાત કરીએ તો ડીઝલની કિંમતમાં કુલ 10.62 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલમાં 8.66 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. ગુરુવારે એટલે કે આજે સરકારી તેલ કંપનીઓએ ફ્યુલની કિંમતોમાં વધારો કર્યો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો મોટા શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા 19 દિવસમાં જંગી વધારો જોવા મળ્યો છે. તેલ કંપનીઓ દ્વારા ફ્યુલની કિંમત વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા છે. અમદાવાદની વાત કરીએ તો પ્રતિ લિટર પેટ્રોલ રૂ.77.40 અને ડીઝલ રૂ.77.33 બોલાઈ રહ્યાં છે. જ્યારે સુરતમાં પેટ્રોલ રૂ.77.32 અને ડીઝલ રૂ.77.27 પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે. આ સિવાય રાજકોટમાં પેટ્રોલ રૂ.77.21, ડીઝલ રૂ.77.16 પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલ રૂ.77.07, ડીઝલ રૂ.77.01 પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ રૂ.77.36, ડીઝલ રૂ.77.24 પ્રતિ લિટર, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.78.14, ડીઝલ રૂ.78.08 પ્રતિ લિટર અને ભાવનગરમાં પેટ્રોલ રૂ.78.70, ડીઝલ રૂ.78.64 પ્રતિ લિટર ભાવ બોલાઈ રહ્યા છે.