Mysamachar.in-અમદાવાદ
લોકડાઉન દરમિયાન લોકો સરકાર દ્વારા નિયત કરેલ ટાઈમિંગ સિવાય બહાર નીકળવા માટે લોકો નવી નવી અને ના કરવી જોઈતી યુક્તિઓ અજમાવતા હોય છે, એવામાં નકલી અધિકારી બનીને ફરતા ત્રણ લોકોની અમદાવાદ સોલા પોલીસે ધરપકડ કરી છે. લોકડાઉનમાં ફરવા માટે આ ત્રણમાંથી એક શખસ પી કેપ અને પોલીસનો દંડો સાથે રાખીને ફરતો હતો. અન્ય બે લોકો માત્ર તેની સાથે જ નિકળ્યાં હતા. પોલીસે તે લોકોની પણ મદદગારી બદલ ધરપકડ કરી છે. લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું સામે આવ્યું છે.
ચાંદલોડિયા પાસેથી ડેશબોર્ડ પર દંડો રાખેલી એક કાર નીકળી હતી. સોલા પોલીસે આ કાર રોકી તેમાં બેઠેલા ત્રણ લોકોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અધિકારી પહેરે તેવી પી કેપ, દંડો મળી આવ્યો હતો. કારમાંથી ઘાટલોડિયામાં રહેતા પિંકેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે કારમાં ફરવા નીકળેલા અન્ય બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી હતી. નકલી અધિકારી બનનાર પિંકેશનો આ આઈડિયા હોવાનું સામે આવ્યું છે.
લોકડાઉનમાં ફરવા નીકળતા લોકોની પોલીસ ધરપકડ કરતી હોવાથી તેણે આ આઈડિયા અપનાવ્યો હતો. આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે અને ટોપી ક્યાં બનાવડાવી તે બાબતે તપાસ કરાશે તેવું સોલા પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીએ જે કેપ સાથે રાખી હતી તેની પર સત્યમેવ જયતે લખ્યું હતું અને GMVD લખ્યું હતું. આ કેપ પરથી આરોપી પોતે આરટીઓ અધિકારી બનીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે.