Mysamachar.in-અમદાવાદ
ઓનલાઈન ગેમનું ઘેલું કેટલીકવાર એવું ભારે પડે કે પસ્તાવાનો વારો આવે…ટાઈમપાસ કરવા માટે રમવામાં આવતી ઓનલાઈન ગેમ ક્યારેક જિંદગીમાં એવું નુકસાન પણ પહોંચાડી દે છે. અમદાવાદના સોલામાં આવો જ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમ રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈડી હેક કરી 50 હજારની માંગણી કરતા મામલો પોલીસમથક સુધી પહોચવા પામ્યો છે,
ઓનલાઈન ગેમ અને તેમાય પબજી ગેમનો ચસ્કો યુવાધનમાં ભારે લાગ્યો છે, આ ગેમને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવી જતા હોય છે. કેટલાય લોકો પર આ ગેમની નકારાત્મક અસર જોવા મળે છે. એવામા સોલામાં રહેતી એક યુવતી પબજી ગેમ રમતા રમતા જીતેન્દ્ર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતી અને જીતેન્દ્ર વચ્ચે ગેમ રમવા દરમિયાન મિત્રતા થઈ હતી. બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાતો કરવા લાગ્યા હતા. બાદમાં યુવકે યુવતી પાસે અશ્લીલ માંગણીઓ શરૂ કરી હતી
થોડા સમય બાદ યુવક યુવતીને વીડિયો કોલ કરીને તેની પાસે બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો. યુવતીએ આખરે કંટાળીને તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. તો જીતેન્દ્રએ યુવતીના સોશ્યલ મીડિયાનું એકાઉન્ટ હેક કરીને તેના તમામ ફોટો મેળવી લીધા. થોડા સમય બાદ એકાઉન્ટ હેક થયાની જાણ થતા જ યુવક સાથે યુવતીના ભાઈએ વાત કરતા તેણે 50 હજારની માંગણી કરી હતી. એટલું જ નહિ, થોડા સમય બાદ આ એકાઉન્ટ પરથી યુવતીના પરિચિત લોકો સાથે યુવતી વિશે અભદ્ર વાતો પણ કરવા લાગ્યો, આખરે કંટાળીને યુવતીની બદનામી થતા યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.