Mysamachar.in-અમદાવાદ
વલસાડની IIFL ઓફિસમાં થયેલી 7 કરોડની લૂંટનાં તાર રાજન ગેંગ સાથે સંકળાયેલા છે. ગુજરાત એટીએસે લૂંટ મામલે છોટા રાજન ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે આરોપીનો ગુનાઈત ઈતિહાસ જોતાં અગાઉ દાઉદ ગેંગનાં બે સાગરિતોની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યુ છે. એટીએસે બે આરોપીની ધરપકડ કરી, લૂંટનો ભેદ ઉકેલ્યો અને સાથે 70 લાખ રોકડા પણ કબ્જે કર્યા છે. અને આ ગેંગના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
9 જાન્યુઆરી 2020માં વલસાડમાં IIFLની ઓફિસમાં હથિયારધારી લુંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો. જે બનાવમાં સોનાનાં દાગીના અને રોકડ મળી 7 કરોડની લૂંટ કરવામાં આવી હતી. હથિયાર સાથે ઘસી આવેલાં લૂટારૂઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જેની તપાસ દરમિયાન ગુજરાત એટીએસે છોટા રાજન ગેંગનાં બે સાગરીત સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના અને શરમત બેગ ઉર્ફે કાલુ હમામની ધરપકડ કરી છે. શરમત બેગની ગુજરાત મહારાષ્ટ્રના નાલાસોપારા અને સંતોષ નાયકની કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે. એટીએસે સંતોષ પાસેથી 70 લાખ રોકડા સહીતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત એટીએસે બે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક ની તપાસ કરતાં સામે આવ્યું કે બન્ને આરોપીઓ કુલ 19 જેટલાં ગંભીર ગુના આચરી ચૂક્યા છે. તેમાં દાઉદ ગેંગનાં બે સાગરીત કય્યુમ કુરેશી અને ઈકબાલ ફંટુરાની હત્યા કરી હતી. ઉપરાંત 1993માં મુંબઈનાં ખેતવાડીના ધારાસભ્ય પ્રેમકુમાર શર્માની પણ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યુ છે. સંતોષ અને શરમત બન્ને આરોપી 2011થી ફરાર હતા અને આ સમયમાં પણ તેમણે અન્ય ગંભીર ગુનાને પણ અંજામ આપ્યો છેછોટા રાજન ગેંગનાં બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ ગુનાના અન્ય 5 ફરાર આરોપીઓની એટીએસે શોધખોળ હાથ ધરી છે.