Mysamachar.in-અમદાવાદ
સોશ્યલ મીડિયાના અલગ અલગ માધ્યમોનો સદુપયોગ કરતા દુરુપયોગના કિસ્સાઓ લગભગ રોજીંદા બની ગયા છે, અમુક કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ સુધી વાત જાય છે અને અમુક કિસ્સાઓમાં બદનામી અને કોર્ટકચેરીના ધક્કાથી બચવા ફરિયાદો ટાળવામાં આવતી હોય છે. આવો વધુ એક કિસ્સો શહેરના સોલા વિસ્તારમાં જોવા મળ્યો છે. સોલા વિસ્તારમાં રહેતી એક મહિલા જે નર્સ તરીકે ફરજ બજાવે છે તેને ફરિયાદ નોંધાવી છે કે તેના ફેસબુક મેસેન્જર પર 27 મેના દિવસે પટેલ નિલેશ નામના ફેસબુક આઈડી પરથી Hi, hello લખીને મેસેજ આવ્યો હતો.જે બાદમાં યુવતીએ તેનો પરિચય પૂછી તેના આઈડી પર મેસેજ ન કરવા કહ્યું હતું. બીજે દિવસે પટેલ નિલેશ નામના આઈડી પરથી જ મેસેજ આવ્યો હતો અને યુવતી સાથે બીભત્સ માગણી કરવામાં આવી હતી. આ મામલે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને કરી હતી. પોલીસે પટેલ નિલેશ નામના આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.