Mysamachar.in-અમદાવાદ:
લોકડાઉનનો ચુસ્ત અને કડક અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવે તે બાબત હમેશ માટે ઇચ્છનીય અને પ્રસંશાપાત્ર છે, તથા લોકડાઉન દરમિયાન કોરોના યોદ્ધા તરીકે કપરી ફરજ બજાવતા પોલીસકર્મીઓ સલામીને પાત્ર છે, પરંતુ કાયદાના રક્ષકો જ કાયદો હાથમા લઇ અને મનમાની કરે તથા કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલે અંશે વાજબી ગણી શકાય.? પોલીસ ડીપાર્ટમેન્ટમા ફરજ બજાવતા કર્મચારીઓના આર્મ્ડ પોલીસ અને અનઆર્મ્ડ પોલીસ એવી બે કેટગરી છે, અનઆર્મડ એટલે કે બિન હથિયારધારી પોલીસ હથિયાર ધારણ કરી શકતા નથી, અને લાકડી અથવા લાઠી નો હથિયાર શબ્દની વ્યાખ્યામાં સમાવેશ થાય છે, તેથી જીલ્લા કલેકટરનું હથિયારબંધીનું જાહેરનામું જયારે અમલમાં હોય ત્યારે હથિયાર ધારણ કરનાર સામાન્ય માણસનો જે રીતે ગુન્હો બને છે તે જ રીતે બિનહથિયારધારી પોલીસવાળા જો લાકડી ધારણ કરે તો તેનો પણ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળનો સજાને પાત્ર ફોજદારી ગુન્હો બને છે,
પોલીસ દ્વારા કરાતી બિનજરૂરી અને અનાધિકૃત મારકૂટ કે શારરિક અત્યાચારને કાયદામાં કોઈ જ સ્વીકૃતિ કે માન્યતા નથી અને આ બાબત માનવાધિકારનો ભંગ બને છે, આ બાબતે રાજ્યસરકારને તથા ખાસ કરીને પોલીસ ડીપાર્ટમેન્ટને યોગ્ય નિર્દેશો આપવાની માંગણી સાથેની એક જાહેરહિતની અરજી અમદાવાદના વકીલ હર્ષિત શાહ એ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. ઇ ફાઈલિંગ સીસ્ટમથી ઓનલાઈન દાખલ કરાયેલી આ પી.આઈ.એલનું હિયરીંગ વિડીયો કોન્ફરન્સીંગથી આગામી દિવસોમાં થનાર છે. અરજદાર તરફે વકીલ નીલ લાખાણી, ધ્રુવ ઠક્કર, ધ્વની લાખાણી રોકાયેલા છે.