Mysamachar.in-અમદાવાદ
ગુજરાતમાં કોરોના વાયરસના પોજીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના પોજીટીવ કેસોની વાત જ શું પૂછવી તેવી સ્થિતિ છે, ત્યારે અમદાવાદ સહીત રાજ્યભરમાં વધતા જતા કેસો વચ્ચે ગઈકાલે મોડી રાત્રે દિલ્હી એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયા તથા તેમની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જે બાદ આવેલ ટીમે આજે સવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું કે, અહીં હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે લોકોમાં લક્ષણ જણાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પોતાની અને બીજાની જિંદગી બચાવી શકાય છે.
વધુમાં ગુલેરિયાએ કહ્યું કે મોડો ટેસ્ટ કરાવવાથી મૃત્યુનું જાખમ વધી જાય છે. તાત્કાલીક સારવાર કરવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તેમણે અમદાવાદમાં વધતા મૃત્યુદર પર કહ્યું કે, અહીં લોકો મોડા દાખલ થવાથી મૃત્યુદર વધ્યો છે. જે લોકોમાં લક્ષણ દેખાય તેણે તુરંત ટેસ્ટ કરાવવો જોઈએ. મોટી ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકો ઘરમાં રહીને આ કોરોનાનો કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. લોકોની મદદ વગર આ રોગનો સામનો કરવો શક્ય નથી. તેમણે હોસ્પિટલના ડોક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન પણ આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ રોગથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. કોવિડ – 19 ના લક્ષણો જણાતા તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરી ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જોઈએ. ઉપરાંત એસિમ્ટોમેટીક દર્દીઓ માં પણ વાયરસ તેનો પ્રભાવ બરકરાર રાખે છે અને વ્યક્તિના શરીરમાં ઓક્સિજનો ઘટાડો થતો હોય છે, જેનો દર્દીને ઘણી વાર ખ્યાલ રહેતો નથી. તેને પગલે ન જોઈતા પરિણામો ભોગવવા પડે છે. આજે સાંજે બંન્ને તબીબો ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરવાના છે.