Mysamachar.in-અમદાવાદ:
કોરોના વાઇરસના વધતા જતા કેસોને રોકવા હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, લોક ડાઉન એટલે કે આવશ્યકતા સિવાય ઘરની બહાર ના નીકળવું…પણ ઘરમાં સોરવે કોને…? એટલે લોકો નીતનવા બહાનાઓ બનાવી અને ઘરની બહાર નીકળે છે, અથવા તો શેરી ગલીઓમાં એકઠા થઇને ગપ્પા મારે છે, આવા લોકોને ઝડપી પાડવા અમદાવાદ પોલીસે તો 25 ડ્રોન કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે, તેમાંથી 4 ડ્રોનનું વીડિયો તેમજ ઓડિયો રેકોર્ડિંગ પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમમાં થઈ રહ્યું છે, જ્યારે બાકીના 21 ડ્રોન જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી ઉડાવી રહ્યા છે, અને આ રીતે લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે, લોકોને જયારે પોલીસ રોકે તો બહાનાઓ એવા પણ હોય છે કે..
શાકભાજી, કરિયાણું, દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુ લેવા જનારાને મુક્તિ છે, પરંતુ યુવાનો તેમજ પુરુષો ઘરની બહાર નીકળવા માટે એટીએમમાં પૈસા ઉપાડવા કે હોસ્પિટલ અથવા તો મેડિકલ સ્ટોરમાં દવા લેવા જવાના બહાને ફરવા નીકળે છે. સામાન્ય રીતે દરેક વિસ્તારમાં 1 કે 2 બેંકના એટીએમ તો હોય જ છે, પરંતુ બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડીશું તો બેંક એક ટ્રાન્ઝેક્શનનો રૂ.50 ચાર્જ લે છે, તેવું કહીને જે બેંકમાં ખાતું હોય તે જ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવાનો લોકો આગ્રહ રાખી રહ્યા છે.
અમદાવાદના એક નાકાબંધી પોઈન્ટ ઉપર પોલીસે કારમાં જતી એક વ્યક્તિને રોકી હતી અને ‘ક્યાં જાવ છો’ તેમ પૂછતા તેણે કહ્યું ,કે ‘મારે એક જમીનનો સોદો કરવાનો હોવાથી આ 7-12 લઇને જમીન જોવા માટે જઇ રહ્યો છું. યુવાનો દવાનું ખાલી પેકેટ સાથે લઈને ફરે છે. પોલીસ રોકે તો કહે છે કે, દાદા, બા,માતા કે પિતાની દવા લેવા જાઉં છું. લાઈસન્સ જોઇને પોલીસ તેમને કહે છે કે તમે તો પેલા વિસ્તારમાં રહો છો તો દવા લેવા અહીં કેમ આવ્યા ? ત્યારે કહે છે કે, અમારે ત્યાં આ દવા મળતી નથી આમ વિવિધ બહાનાઓ બનાવી અને લોકો અને ખાસ કરીને પુરુષો ઘરની બહાર જવાનો મોકો શોધે છે પણ પોલીસ પાસે કયારેક આવા બહાનાઓ સફળ તો ક્યારેક નિષ્ફળ થઇ જાય તો પાછુ ઘરે ભાગવાનો વારો આવે છે.