Mysamachar.in-અમદાવાદ:
હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહી ગુજરાતના અમુક શહેરોમાં આજે સાચી ઠરી છે, અને વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાંપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેના ભાગરૂપે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બની ગયું છે, બીજી બાજુ રવિપાકોને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, લણવાના સમયે વરસાદે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખતા વધુ એક વખત ખેડૂતો માટે કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે,
જામનગર ઉપરાંત અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના માલપુર, મેઘરજ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાતાવરણ જોતા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમીરગઢ સહિતના પંથકમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે વરસાદની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયેલો છે. કમોસમી વરસાદ થશે તો ખેડૂતોના રોકડિયા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કમસોમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાનવિભાગ દ્વારા 10 અને 11 માર્ચ એમ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.