Mysamachar.in-અમદાવાદ:
આ વર્ષ રાજ્યમાં મોસમ ક્યારે કયો કલર પકડશે તે નક્કી થતું નથી, ઠંડી સાથે વરસાદ, ગરમી સાથે વરસાદ વગેરે વિચિત્ર ઋતુઓનો અનુભવ લોકો કરી રહ્યા છે, એવામાં રાજ્યના ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી વરસાદ પડવાના એંધાણ સર્જાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 10 માર્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યકત કરાઈ રહી છે,
ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવવાના એંધાણ સર્જાયા છે જેના કારણે 10 માર્ચે કમોસમી વરસાદ પડશે. ગુજરાતના બનાસકાંઠા, દ્વારકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દેખાડી છે. દક્ષિણ પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં પડી રહી છે.દક્ષિણ પાકિસ્તાનમાં ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે હવામાન વિભાગે 10 માર્ચના કમોસમી વરસાદની સંભાવના સેવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે રાજસ્થાન પછી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનુ હવામાન બદલાયુ હતુ અને અમદાવાદ સહિત કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડયો હતો. વડોદરામાં પણ વાદળછાયો માહોલ સર્જાયો અને 16 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો