Mysamachar.in-અમદાવાદ:
થોડીક લાપરવાહી બતાવો તો ગઠિયાઓ તમારી સાથે બનાવટ કરવાની રાહ જોઇને જ બેઠા છે, રાજ્યમાં વધી રહેલ ચીટીંગની ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે, રાજ્યના મેટ્રોસીટી અમદાવાદના મેઘાણીનગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દુકાનદાર પોતાની દુકાને હાજર હતા ત્યારે બે ગઠિયા આવ્યા હતા અને વસ્તુ ખરીદીને વેપારીની વીંટીઓ ના વખાણ કર્યા હતા. બાદમાં ગલ્લામાં પડેલા તમામ સિક્કા સોનાના) કરવાની લાલચ આપીને દાગીનાના પાંચ પડીકા બનાવી ગલ્લામાં મૂકવાનું કહ્યું હતું.
શાહીબાગ વિસ્તારમાં વસવાટ કરતા અશોક શાહ ચમનપુરામાં કરિયાણાની દુકાન ધરાવી વેપાર કરે છે. તેમની દુકાને બપોરના સુમારે બે ગઠિયા આવ્યા હતા. આવેલ ગઠિયાઓએ ટૂથપેસ્ટ ખરીદી હતી. બાદમાં અશોકકુમારે પહેરેલી બે વીંટીના વખાણ કર્યા હતા. સાથે આવી જ વીંટી બનાવવી હોવાથી વીંટ કઈ જગ્યાએ બનાવડાવી છે, તેવી પૂછપરછ પણ કરી હતી, આ રીતે ગઠિયાએ વેપારીને વાતોમાં ભોળવી લીધા હતા બાદમાં આ બંને ગઠિયાઓએ ગલ્લામાં પડેલા સિક્કાને સોનાના કરવાનું કહેતા અશોકકુમાર તેમની વાતમાં આવી ગયા હતા.
જેથી અશોકકુમારે તેમની બે વીંટીઓ આપી દીધી હતી. બંને ગઠિયાઓએ તે વીંટીના પાંચ પડીકા બનાવી પાંચ દસ મિનિટ સુધી ગલ્લામાં રાખશો તો તમામ સિક્કા સોનાના થઇ જશે તેમ કહીને જતા રહ્યા હતા.જે બાદ પાંચ દસ મિનિટ પછી પડીકા ખોલીને જોતા અંદરથી વીંટીઓ ગાયબ હતી. તેમજ ગલ્લામાં રહેલા સિક્કા પણ સોનાના થયા ન હતા. આખરે પુત્રને જાણ કરીને અશોકકુમારે મેઘાણીનગર પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી ગઠિયાઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.આ કિસ્સો લોકો માટે ચેતવણીરૂપ છે કે જે અજાણ્યા લોકોની વાતોમાં આવી જઈને તે કહે તેમ વર્તે છે અને બાદમાં પસ્તાવાનો પાર રહેતો નથી.