Mysamachar.in-અમદાવાદ:
આજના ટેકનોલોજીના સમયમાં જો સહેજ પણ ચૂક થઇ જાય તો મુશ્કેલીનો પાર રહેતો નથી, એટલે જ ઓનલાઈન એપ્લીકેશન, ઓટીપી, લોભામણી જાહેરાતો વગેરેની યોગ્ય ખરાઈ કર્યા બાદ જો ઉપયોગ કરવામાં આવે તો સલામત રહી શકાય છે, નહિ તો દેશના અલગ અલગ રાજ્યોમાં બેઠેલા ચતુર ગઠિયાઓ તમારા હજારોથી માંડીને કરોડો સુધીના નાણા તમને ખબર ના પડે તેમ સેરવી શકે છે, આવી એક ચોંકાવનારી અને લોકોને સચેત કરતી ઘટના અમદાવાદમાં સામે આવી છે.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને નરોડામાં કેમિકલ ફેક્ટરી ધરાવતા સિનિયર સિટીઝનનાં બેંકના ખાતામાંથી ગઠિયાએ ઓનલાઇન 1.37 કરોડ ઉપાડી લેતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાએ પહેલાં ડુપ્લિકેટ સીમકાર્ડ કઢાવ્યું અને તેમાંથી બેંકની તમામ ડિટેઇલ મેળવી લીધી હતી. ત્યારબાદ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. નવું સીમકાર્ડ હોવાથી તમામ ઓટીપી તેને મળી જતાં અલગ અલગ જગ્યાએથી પૈસા ઉપાડી લીધાનું સામે આવે છે.
ગત 28 ફેબ્રુઆરીના રોજ દ્વારકાદાસ તેમનાં પત્ની સાથે જયપુર જઈ રહ્યા હતા. ત્યારે એરપોર્ટ પર પહોંચતા તેમના પુત્રનો ફોન તેમની પત્ની પર આવ્યો હતો, જેમાં પુત્રે પિતાનો ફોન લાગતો નહીં હોવાનું કહ્યું હતું. એરપોર્ટ પર નેટવર્ક નહીં આવતું હોવાનું માની દ્વારકાપ્રસાદે ખાસ ધ્યાન આપ્યું ન હતું. દરમિયાન તેઓ જયપુરથી પરત આવ્યા બાદ સોમવારે તેમના પુત્રે તેમને જાણ કરી હતી કે આપણી કંપનીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 1.37 કરોડ ઉપાડી લેવાયા છે. આ અંગે દ્વારકાપ્રસાદ અને તેમના ભાગીદાર કરશનભાઈ પટેલે બેંક ઓફ બરોડાની શાખામાં જઈ બેંક એકાઉન્ટ સીઝ કરાવ્યા હતા.
આ ઘટના બાદ તેમણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગઠિયાએ નવું સીમકાર્ડ બનાવડાવ્યું હોવાથી તેમનો ફોન બંધ થઈ ગયો હતો. તેઓ અમદાવાદથી જયપુર ગયા તે સમયગાળામાં જ ગઠિયાએ ઓનલાઇન પૈસા ઉપાડી લીધા. ગઠિયાએ નવું સીમકાર્ડ મેળવી લીધું હોવાથી તેમને ઓટીપી નંબર પણ મળતો નહોતો. આ અંગે દ્વારકાપ્રસાદે સાઈબર ક્રાઈમમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. કોઈ અજાણી વ્યક્તિએ તેમના નામના ખોટાં ડોક્યુમેન્ટ રજૂ કરી દ્વારકાપ્રસાદના નંબરવાળુ સીમકાર્ડ ખરીદ્યું હતું, જેમાં બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ઓટીપી આવતા હતા. આમ અજાણી વ્યક્તિએ સીમકાર્ડ લઈ બેંક એકાઉન્ટોના યૂઝર આઈડી અને પાસવર્ડ મેળવી ઈન્ટરનેટ બેંકિંગ વડે દિલ્હી કોલકતા વગેરે શહેરની જુદી-જુદી બેંકોમાં 21 ટ્રાન્ઝેક્શનો કરી કુલ રૂ. 1,37 કરોડ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાને મામલે સાયબર સેલ સહિતની ટીમો તપાસમાં કામે લાગી છે.