Mysamachar.in-અમદાવાદઃ
ચોમાસા બાદથી જાણે કે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેમ અવાર નવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભરશિયાળામાં કાળા ડિબાંગ વાદળો અને કમોસમી વરસાદને કારણે રવિપાક બરબાદ થઇ ગયો હવે ઉનાળાની ગરમી શરૂ થાય એ પહેલા જ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સુરત અને વડોદરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
શુક્રવારે રાજ્યમાં જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ડાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. હવામાન વિભાગની અમદાવાદ કચેરીના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે દિવસ કેટલાક ઠેકાણે હળવો વરસાદ રહેશે. આ બે દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. બે દિવસ બાદ વાદળો હટી જશે. જો કમોસમી વરસાદ પડશે તો રવિ પાક ઉપરાંત સૌથી વધુ અસર કેરીના પાકને થશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.