Mysamachar.in-અમદાવાદ:
રેલ્વેમાં હજારો મુસાફરો દરરોજ મુસાફરી કરતા હોય છે, ક્યારેક મહિલાઓ એકલી તો ક્યારેક નાના બાળકો સાથે પણ મુસાફરી કરતી હોય છે, તો કેટલાય લોકો કીમતી માલસામાન સાથે પણ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને ચાલુ ટ્રેનમાં લૂંટ, ધાડ, ચોરી, છેતરપિંડી, અપહરણ કે અકસ્માત વખતે કોને જાણ કરવી? ફરિયાદ ક્યાં આપવી? ખોવાયેલું બાળક મળી આવે તો શું કરવું? શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ, દારૂ હેરાફેરી, જેવી પ્રવૃત્તિ બાબતે કોને જાણ કરવી? શારીરિક દુર્વ્યવહાર,છેડતી કે રોમિયોગીરીના બનાવ વખતે મદદ મેળવવા તાત્કાલિક કોનો સંપર્ક કરવો? કમ્પાર્ટમેન્ટમાં અનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ થાય તો કોને ફરિયાદ કરવી? રેલવેમાં મુસાફરી દરમ્યાન અચાનક મદદની જરૂર પડે તો શું કરવું?
વેગેરે બાબતોને ધ્યાનમાં રાખી ‘સુરક્ષિત સફર’ નામની મોબાઇલ એપ ગુજરાત રેલવે પોલીસે તૈયાર કરી છે. ઈમરજન્સીમાં આ એપમાં પેનિક નામનું એક માત્ર બટન દબાવતા જ તમે પોલીસની મદદ મેળવી શકશો. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આવતીકાલ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આ એપ્લિકેશન લોન્ચ કરશે. આ એપ્લિકેશન તૈયાર કરવા પાછળ અંદાજીત 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સુરક્ષિત સફર એપ દ્વારા મુસાફરોને 24 કલાક મદદ મળી રહે તે માટે ત્રણ એડમિન પેનલ બનાવવામાં આવી છે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ અને વડોદરા જિલ્લા કન્ટ્રોલ ખાતે તથા એક એડમિન પેનલ નાયબ પોલીસ મહાનિરીક્ષક, રેલ્વેઝ કન્ટ્રોલ ખાતે કાર્યરત રહેશે. આ પોલીસ કર્મીઓ 24 કલાક આ એપ્લિકેશનનું મોનિટરિંગ કરશે અને મુસાફરોની ફરીયાદ સમયે ટ્રેન પેટ્રોલિંગના માણસોને સુચના આપશે. તેની સાથે સાથે ફરીયાદ કરનાર મુસાફરનો સંપર્ક કરી તેની ફરીયાદ બાબતે ફીડબેક પણ લેશે.આ એપ દ્વારા મુસાફરો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવશે અને તે બાબતે જરૂરી અમલ પણ કરવામાં આવશે. રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ટ્રેનમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓની ફરજો અને કામગીરી તેમજ મુસાફરોની ફરીયાદો બાબતે થયેલી કાર્યવાહી બાબતે સીધું જ સુપરવિઝન રાખવામાં આવશે તેવું પણ જાણવા મળે છે.