Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં કોની મદદ કરવી અને કોની મદદ ના કરવી તે પણ સવાલ છે, કારણ કે તમે જેને પોતાના માનતા હોવ તેવા લોકો જ જો છેતરપીંડી કરી જાય તો…અમદાવાદમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મિત્રએ તેના જ મિત્ર સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે,સુર્યપ્રકાશે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 2જી ફેબ્રુઆરીએ તેમના મિત્ર રાજુ મારવાડી તેમની પાસે આવ્યાં હતાં. અને કહ્યું હતું કે તેમને પૈસાની ખૂબજ જરૂર છે. તેમની પાસે તેની દાદીના એક-એક ગ્રામ સોનાના 200 સિક્કા છે.
જે સિક્કાના બદલામાં તેઓ તેને રૂપીયા આપે. અને જો સમયસર રૂપીયા પરત ન કરે તો સીક્કા વેચી નાખવા. મિત્રની વાત બાદ સુર્યપ્રકાશ તેના વિશ્વાસમાં આવ્યાં હતાં. પરંતુ તેમણે આ સિક્કા સોનાના છે કે કેમ તે જાણવા માટે રાજુ મારવાડી પાસેથી 20 સિક્કાની માંગણી કરી હતી. જો કે ચકાસણી કરવા માટે આપેલ સિક્કાની તપાસ કરાવતા આ સિક્કા સોનાના હોવાનું જાણવા મળતા ફરિયાદીએ રાજુ મારવાડીને પૈસા આપવાનું નક્કી કર્યું હતું.
જે બાદ 5મી ફેબ્રુઆરીએ સુર્યપ્રકાશએ રાજુ મારવાડીને 200 સિક્કા આપીને રૂપીયા લઇ જવાનું કહેતા તેણે તેના ભત્રીજા દિપકને સિક્કા લઇને ફરિયાદી પાસે મોકલી આપ્યો હતો,અને સુર્યપ્રકાશે સીક્કા લઇને તેને રૂપીયા 4 લાખ 95 હજાર આપ્યા હતાં. જો કે 15 દિવસમાં રૂપીયા પરત કરવાનો વાયદો કરનાર રાજુ મારવાડી અનેક પ્રયત્નો કરવા છતાં ફરિયાદીનો ફોન ઉપાડતા ન હતાં. જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા તે રાજુ મારવાડીના ઘરે ગયો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે રાજુએ તેનું મકાન વહેચી નાંખેલ છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં શાહીબાગ પોલીસએ હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.