Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાતમાં સરકારી નોકરી માટેની ભરતીમાં કોઇ ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિને કારણે ઉમેદવારોને હવે તટસ્થ પ્રક્રિયા પર વિશ્વાસ રહ્યો નથી. બિનસચિવાલયની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ જાહેર કરી કોંગ્રેસે રૂપાણી સરકારની ઉંઘ હરામ કરી હતી, ફરી એકવાર કોંગ્રેસે એવો ધડાકો કર્યો છે જેનાથી ગાંધીનગર સરકાર દોડતી થઇ શકે છે. આ વખતે કોંગ્રેસનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી મોરબી, બનાસકાંઠા, અરવલ્લી, પંહમહાલ, મહીસાગર, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્ગ ત્રણની ભરતી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કૃષિ યુનિવર્સિટી ભરતી તેમજ પશુ નિરીક્ષકની ભરતીમાં અનેક ઉમેદવારોએ ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જેમના પ્રમાણપત્રોની યોગ્ય ચકાસણી કર્યા વગર જ નોકરી આપી દેવામાં આવી હતી. બાદમાં આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે ઉમેદવારોએ જે પ્રમાણપત્રો રજૂ કર્યા છે તે માન્ય યુનિવર્સિટીના ન હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર કૌભાંડ અંગે માહિતી આપવા માટે કૉંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે "સરકારી નોકરીઓમાં ખોટા દસ્તાવેજોથી નોકરીના કૌભાંડ થયું છે. ખોટા પ્રમાણપત્રો સાથે એક અંદાજ મુજબ 10 હાજર લોકોએ નોકરી મેળવી છે. પશુધન વર્ગ-3, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખોટા પ્રમાણપત્રોથી નોકરીઓ મેળવાઈ છે. અમાન્ય ડિગ્રીઓનો વેપલો કરનારને સરકાર છાવરી રહી છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટની સંપૂર્ણ માહિતી છે. સરકારમાં બેઠેલા લોકો જ આ કૌભાંડને થવા દે છે. ખોટા પ્રમાણપત્રોથી 10,000 લોકોએ નોકરી મેળવી છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં કમલમથી દોરી સંચાર થયો છે. એક ભરતીમાં 40 હજારથી 1 લાખ લેવામાં આવ્યા છે."
વધુમાં મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તમામ બાબતો સરકાર સામે પણ આવી હતી, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે વિકાસ કમિશનરને ગેરમાન્ય પ્રમાણપત્રો અંગે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. જોકે, હજી સુધી સરકારે ખોટા પ્રમાણપત્રો થકી નોકરી મેળવનાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. બિનસચિવાલયની પરીક્ષા બાદ કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા, ત્યારબાદ ઉમેદવારોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું, હવે ફરી એકવાર ભરતીને લઇને કરેલા આક્ષેપથી આગામી સમયમાં રાજ્ય સરકારની મુશ્કેલી વધી શકે છે.