Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી ઠંડીમાં સાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા જાગી છે કે શું શિયાળો પુરો થઇ ગયો. ત્યારે હવામાન વિભાગે સત્તાવાર શિયાળો ક્યારથી વિદાય લેશે તે અંગે જાહેરાત કરી છે. આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારથી પવન દિશા બદલાશે અને ઉતર તરફના પવન ફુકાશે. જેના કારણે લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારનું કહેવું છે કે મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થાય. મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી યથાવત રહેશે. લઘુતમ તાપમાન ઘટવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે. એટલે કે શિયાળાના અંતિમ તબક્કામાં બે ઋતુનો અનુભવ થશે. માર્ચ મહિનાથી ઉનાળાની ગરમીની શરુઆત થશે.
જયંત સરકારે વધુમાં કહ્યું કે અરબી સમુદ્રમાં પવનની ગતિ તેજ છે. ત્યારે આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આપી છે. ખાસ કરીને પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર તરફ ન જવા માટે માછીમારોને સૂચના આપી છે. પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દક્ષિણ પૂર્વના પવનો ફુંકાઇ રહ્યા હતા. જેના કારણે વાતાવરણ ઠંડુ રહ્યું હતું પરંતુ તાપમાન ઉંચું નોધાયું છે.