Mysamachar.in-અમદાવાદઃ
ફરી એકવાર અમદાવાદ દુનિયાની મહાસત્તા ગણાતા દેશના વડાની મહેમાનગતીનું સાક્ષી બનશે, ચીનના રાષ્ટ્રપતિ બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અમદાવાદ અને નવી દિલ્હી ખાતે 24-25 ફેબ્રુઆરી દરમિયાન આવવાના છે. આટલા મોટા દેશના રાષ્ટ્રપતિ આવે તો તેના આગતા સ્વાગતામાં કાંઇ બાકી ન રહે એ સ્વાભાવીક છે, એક અંદાજ પ્રમાણે ટ્રમ્પની આ મુલાકાત પાછળ અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રોડ શો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તીઓને કારણે તેમજ દેશ વિદેશમાં થી 2000 જેટલા વીવીઆઈપી લોકોને આમંત્રણ તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા વગેરેનો ખર્ચ પણ કરોડોમાં છે.
મોદી અને ટ્રમ્પ માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાના છે આ રોડ શોમાં અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં 21 કરોડના તો નવા રોડ રસ્તા બનાવાયા છે અને તમામ રોડ ઉપર ઝાડ વાવવામાં આવ્યા છે, ટૂંક સમયમાં ગ્રીન બેલ્ટ તૈયાર કરવાનો ખર્ચ તો થાય જ ને ! ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી બતાવવામાં આવશે, જેમાં દાંડિયા રાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. કારણ કે પહેલીવાર કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની પત્ની સાથે અમદાવાદમાં ડાંડિયા રાસ રમશે.
કોના માથે પડશે આ ખર્ચ ?
અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. આ તૈયારીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ માટે ખર્ચના ભાગલા પાડવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર 30 કરોડ, રાજ્ય સરકાર 25 કરોડ અને અમદાવાદ કોર્પોરેશન 20 કરોડનો ખર્ચ ભોગવશે. જો કે ટ્રમ્પની મુલાકાત બાદ જે હિસાબ લગાવવામાં આવ્યો છે તેનો સરવાળો 100 કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ઊભા રસ્તે ડફનાળા સુધી અથવા છેક આશ્રમ સુધી રસ્તાની બંને તરફ થોડા થોડા અંતરે સ્ટેજ ઊભા કરી કળાવૃંદો મારફત નર્તન કરાવવાની જવાબદારી સંભાળવાની છે. જે માટે આશરે 35-40 કરોડ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે.
આમ તો આ ગ્રાન્ટ રાજ્ય સરકાર જ મ્યુનિ. કોર્પો.ને ચૂકવવાની છે. રાજ્ય સરકાર પોતે આ તમામ ઇવેન્ટમાં 20થી 25 રૂપિયા કરોડ ખર્ચશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે. આટલો જ ખર્ચો કેન્દ્ર સરકારનાં વિદેશ મંત્રાલય દ્વારા થશે. મળતી માહિતી પ્રમાણે, મોટેરા સ્ટેડિયમમાં થનારી ઇવેન્ટનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ઉઠાવશે.