Mysamachar.in-અમદાવાદઃ
હેલ્મેટની માથાકૂટ હજી પતી નથી ત્યાં વધુ એક ટ્રાફિક નિયમની કડક અમલવારી કરવાની વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. કાર ડ્રાઇવર માટે સીટ બેલ્ટ ફરજિયાતનો નિયમ પહેલાથી જ અમલમાં છે, હવે અમદાવાદ શહેરમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિ માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત કરવાની તૈયારી ચાલી રહી છે. જો ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો મસમોટો દંડ ફટકારવાની તૈયારી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ અંગેની ઝુંબેશ પણ શરૂ કરશે. ટ્રાફિકનાં ડીસીપીનું કહેવું છે કે 'ફોર વ્હીલર્સનાં અકસ્માતોમાં મોટાભાગનાં કિસ્સામાં ફ્રન્ટ પેસેન્જરે જ્યારે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તેને સૌથી વધુ ઈજા થતી હોય છે. એટલે આ રીતે પ્રવાસીની ઈજાની જવાબદારી પણ ડ્રાઈવ કરનારની જવાબદારી હોય છે. તે ન્યાયે હવે જો પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો ડ્રાઈવ કરનાર પર ગુનો નોંધવાનું શરૂ કરાશે.' જો ફ્રન્ટ પેસેન્જરે સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો બે નિયમો મુજબ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ IPC 279 પ્રમાણે પહેલી વાર પકડાશો તો દંડ 500 રૂપિયા થશે જ્યારે બીજી વારમાં 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ સાથે આરોપી ડ્રાઈવરને છ માસ સુધીની કેદ અને 1000 દંડ પણ થઇ શકે છે.