Mysamachar.in-અમદાવાદઃ
સલામત સવારી ST અમારીના દાવા કરતા ST વિભાગ દ્વારા થોડા વર્ષ પહેલા વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી, મુસાફરોને સારી સુવિધા મળી રહે તે હેતુથી શરૂ થયેલી આ સેવામાં પણ બેદરકારી દાખવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ખુદ ST નિગમે વોલ્વો બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કેટલીક રોચક માહિતી સામે આવી છે. ST નિગમના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ફિટનેસ ટેસ્ટમાં 21 જેટલી વોલ્વો બસ ફેલ થઇ છે. કેટલીક બસમાં ફ્રન્ટ ગ્લાસ લેમિનેટેડ હોવાના બદલે ટફન ગ્લાસવાળા જણાયા હતા. આ સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો ડ્રાઇવર-પેસેન્જરોને ઈજા પહોંચી શકે છે. અધિકારીઓએ કોન્ડુસ્કર ટ્રાવેલ્સ કંપનીને સાત દિવસમાં જવાબ આપવા નોટિસ ફટકારી છે. આ સિવાય વોલ્વો બસમાં મળી આવેલી ખામી વિશે વાત કરીએ તો લેમિનેટ ગ્લાસના બદલે ટફન ગ્લાસનો ઉપયોગ કરાયો, હેડલાઈટ ગ્લાસ તૂટેલા મળ્યા, સાઈડ માર્કર બંધ હાલતમાં હતા, ડેકી લાઇટમાં વાયર ખુલ્લા હતા, બેટરીના બોક્સ ખુલ્લા જણાયા, સ્પેર વ્હીલ ન નહોતા, જમ્પર અને મડગાર્ડ પણ ડેમેજ હતા.