Mysamachar.in-અમદાવાદઃ
વર્ષોથી ગુજરાતમાં ફિક્સ પગારને લઇને સરકારી કર્મચારીઓ લડત ચલાવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને વર્ષ 2012થી ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં હોય તેમ લાગી રહ્યું છે. સુપ્રિમ કોર્ટમાં સેંકડો મુદ્દતો પછી ગુજરાત સરકારે ફિક્સ વેતન નીતિ સામેના કેસમાં એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં સરકારે રાજકોષિય નીતિઓ હેઠળ રાજ્યનું જાહેર દેવું અને બજેટમાં મહેસૂલી ખાદ્ય ઘટાડવા ફિક્સ પે પોલિસી- FPSથી કર્મચારીઓની ભરતી કર્યાનું જણાવ્યુ છે. ફિક્સ-પે પોલિસીને બરખાસ્ત કરી ‘સમાન કામ- સમાન વેતન’ના સિધ્ધાંતે કર્મચારીઓને ન્યાય આપવા ગુજરાત હાઈકોર્ટે આપેલા ચૂકાદાનો ગુજરાત સરકારે સુપ્રિમમાં પડકાર્યો છે. સુપ્રિમમાં એફિડેવિટ કરીને ગુજરાત સરકારે નક્કર તથ્યોને બદલે ગોળગોળ વાત કરી છે. તેવી હૈયાવરાળ ટીમ ફિક્સ-પે સહિતના રાજ્યના લાખો કર્મચારીઓ ઠાલવી રહ્યા છે.
સરકારે શું કહ્યું ?
સરકારે આ એફિડેવિટમાં જણાવ્યુ છે કે, આ કાયદાના અમલ પછી સરકારે ૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૬થી ફિક્સ પે સ્કિમ- FPS શરૂ કરી હતી. આથી, વર્ષ ૨૦૦૬થી ૨૦૦૯ વચ્ચે FPSથી સરકારમાં વિવિધ જગ્યાએ ૨,૭૩,૨૭૩ કર્મચારીઓ નિમણૂંક પામ્યા હતા. જો FPS લાગુ ન થઈ હોત તો સરકારમાં માત્ર ૧,૦૯,૩૦૬ કર્મચારીઓને જ નોકરી આપી શકાઈ હોત ! તો રોજગારીમાં ઘટાડો થાત. આ રીતે ૧૨માં નાણા પંચની ભલામણોને સ્વિકારીને સરકારે દેવા રાહત પેકેજનો લાભ લીધો હતો. તેના કારણે વર્ષ ૨૦૧૦માં દેવું અને વ્યાજની ચૂકવણીમાં રૂ.૩૯૭૨ કરોડની બચત થઈ હતી.