Mysamachar.in-અમદાવાદઃ
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી મુંબઇ ટ્રાફિક પોલીસનો વીડિયો ખુબ જ વાયરલ થયો છે, મુંબઇ ટ્રાફિક પોલીસે નિર્ણય લીધો છે કે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશે તો ટ્રાફિક સિગ્નલની સેકન્ડમાં વધારો થશે, એટલે કે એટલો વધુ સમય ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. મુંબઇ પોલીસનો આ પ્રયોગ સફળ થતાં અમદાવાદ શહેરમાં પણ આ નિયમ લાગુ કરવાની વિચારણ હાથ ધરાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઇ મહાનગરપાલિકા 'મોર હોર્ન, મોર વેઇટ' કન્સેપ્ટ હેઠળ પ્રોજેક્ટ અમલ કરવાનો વિચારણા કરી રહ્યું છે. આ વીડિયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રિટ્વિટ કર્યો હતો અને સાથે જ લખ્યું કે શું અમદાવાદમાં આ શક્ય છે ખરું ?. મુંબઈ પોલીસના વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનચાલકો રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડી રહ્યા છે. આ અંગે મુંબઈ પોલીસે એક પ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મિટર લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રિસેટ થઈ જાય છે. એટલે કે રેડ સિગ્નલની સેકન્ડોમાં વધારો થાય છે. આ વીડિયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ હાથ ધરવાની વિચારણા AMCએ કરી છે.