Mysamachar.in-અમદાવાદઃ
આજે વર્લ્ડ કેન્સર દિવસ છે, કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળતા જ ભલભલા લોકોનાં આંખમાં પાણી આવી જાય છે. ટેક્નોલોજીના યુગમાં પણ કેન્સરનો સફળ ઇલાજ શોધી શકાયો નથી. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને મોટી સફળતા મળી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ડોક્ટરોએ 3D પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેક્નોલોજીથી પ્રથમવાર ઓપરેશન કરી દ્વારકાની 7 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીને નવજીવન આપ્યું છે. દ્વારકાની 7 વર્ષની બાળકીના કેન્સર ટયુમરવાળા થાપાના હાડકાને તબીબોની ટીમે 3D પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી શરીરની બહાર કાઢીને કેન્સરમુક્ત કરી 6 કલાકની સર્જરીથી ફરી બેસાડ્યું છે. ઓપરેશન ખૂબ જ કઠિન હતું, જેમાં બાળકીના સાંધાને બચાવવા મુખ્ય ઉદ્દેશ હતો.
પહેલા કુત્રિમ પગ પર કરાયો હતો પ્રયોગ
3D પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજનનું ઓપરેશન કેટલું સફળ રહેશે તે માટે ડોક્ટરોએ પહેલા કુત્રિમ પગ બનાવી તેના પર પ્રયોગ કર્યો હતો. જે સફળ રહેતા સર્જનોની ટીમે બાળકી પર આ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમવાર ઉપયોગ કરાયો હોવાનો ડોકટરનો દાવો છે. સામાન્ય પરિવારની દીકરીને આ સફળ ઓપરેશન થતાં પરિવારજનો પણ ખુશ હતા. સામાન્ય રીતે આ પ્રકારના ઓપરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઇ શકે છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આવાં ઓપરેશનો મફતમાં થતાં હોવાનું સુપ્રિટેન્ડેન્ટ જણાવ્યું હતું. કેન્સર એક અસાધ્ય રોગ છે, પરંતુ અત્યાધુનિક ટેક્નોલોજી અને ડોક્ટરોની મહેનતને કારણે કેન્સરને મ્હાત આપી શકાશે.