Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાતમાં દારૂબંધી છે એ વાત સાચી પરંતુ યુવાધનને બરબાદ કરવા માટે લેભાગુ તત્વો કોઇ કસર બાકી રાખી નથી રહ્યાં, વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જો તમારા બાળકો પણ આવી કોઇ લતે ચડ્યા હોય તો વહેલા ચેતી જવાની જરૂર છે, કારણ કે બજારમાં એવા એવા નશીલા પદાર્થ આવી ગયા છે જેનાથી યુવાનો અંધકારમાં ધકેલાઇ રહ્યાં છે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લામાંથી 7 હજારથી વધુ કફ સિરપની બોટલ મળી આવી છે.ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન વગર વેચાતી આ સિરપથી નશો થતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ પાનનો ગલ્લો ચલાવતા પંકજ ડાંગર નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે દેવાંશી પાન નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી કફ સિરપની કેટલીક બોટલો મળી આવી, આ દુકાન ચલાવતા પંકજ ડાંગર નામના વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં પંકજે જણાવ્યું કે તેણે નજીકના એક મકાનમાં 7142 બોટલ સંતાડેલી છે. જે પોલીસે કબજે કરી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે આ કફ સિરપની બોટલમાં સિડ્યુઅલ એચ નામના ડ્રગ્સનું પ્રમાણ હોય છે, જેનું સેવન કરવાથી નશો થઇ શકે છે. ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન વગર આ દવાનું વેચાણ કરવું ગુનાહિત કૃત્ય બને છે, આ કફ સિરપનું વધુ સેવન કરવાથી હાર્ટ, કિડની તથા લીવર પર ખરાબ અસર થાય છે. પંકજ ડાંગર ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન વગર તેનું વેચાણ કરતો હોવાથી તેની સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે પકડાયેલા પંકજ ડાંગરની પૂછપરછમાં કફ સિરપનો સપ્લાય કરનાર ભરત ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.