Mysamachar.in-અમદાવાદઃ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસમાં ઠંડીમાં ભારે વધઘટ જોવા મળશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી સોમવારે વેસ્ટન ડિસ્ટબન્સ પસાર થનારું છે. જેની અસરથી મેદાની પ્રદેશો પરથી પસાર થતા પવન પ્રભાવિત થશે. જેથી આગામી 48 કલાક એટલે કે સોમવાર બપોરથી બુધવાર બપોર સુધી ઠંડી 2થી 3 ડિગ્રી સુધી ઘટશે. સિસ્ટમ દૂર થયા બાદ ઠંડીનું જોર ઘટી જશે. તો આગામી 15 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતને અસર કરતી એક વેસ્ટન ડિસ્ટબન્સ તૈયાર થવાની શકયતા પ્રબળ બની રહી છે. જો આ સિસ્ટમ સક્રિય થશે તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં જેવા વાદળો બંધાય છે તેવું વરસાદી વાતાવરણ તૈયાર થશે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. તેમજ આ કમોસમી વરસાદ કેટલાક સ્થળોએ અડધા ઇંચ સુધીનો હોઈ શકે છે. તો સોમવારે જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રી નોંધાયો છે, જ્યારે મહત્તમ તાપમાન 26.5 છે. ભેજનું પ્રમાણ 81 તથા પવનની ગતિ 7.8 પ્રતિકલાક નોંધાયું છે.