Mysamachar.in-અમદાવાદઃ
એક બે દિવસના વિરામ બાદ ફરી ઠંડીનું જોર વધ્યું છે. થોડા-થોડા દિવસના વિરામ બાદ ઠંડીમાં પણ વધારો ઘટાડો થઇ રહ્યો છે. ફરી એકવાર કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે જે આગામી કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે. એટલું જ નહીં હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરવા માટે તૈયાર રહે. આગામી 24 કલાકમાં જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતા પવનની ઝડપના કારણે ઠંડીમાં વધારો થશે. પવનની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેતા હાડ થીજવતી ઠંડીમાં સતત વધારો થયો છે. આગામી ત્રણ ચાર દિવસ લઘુત્તમ તાપમાન ગગડશે અને સૌરાષ્ટના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીનો સામનો લોકોએ કરવો પડી શકે છે.