Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત ગુજરાતભરમાં આગામી ચાર દિવસ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુરુવારથી તાપમાન 3 થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. ગુજરાતમાં હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સરક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ગુરુવારે સવારથી જ જામનગર સહિત રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાયા હતા, જેના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. છેલ્લા બેથી ત્રણ દિવસની સરખામણીમાં ગુરુવારે વધુ ઠંડી પડી છે. ત્યારે ફરી એકવાર ઠંડીની આગાહીથી જામનગરવાસીઓ સ્વેટર પહેરવા મજબૂર થશે.