Mysamachar.in-અમદાવાદઃ
પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાને કારણે ગુજરાત સહિત દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જો કે શોપિંગ મોલના સંચાલકોએ આ નિર્ણયને પૈસા કમાવવાની તક સમજી ઉઘાડી લૂંટ શરૂ કરી હતી, એક જાગૃત ગ્રાહકે આ મામલો કોર્ટમાં પડકાર્યો જે અંગે કોર્ટે નોંધ લઇને મોલ પાસેથી રૂપિયા 1500નો દંડ વસૂલવાના આદેશ આપ્યા છે. અમદાવાદના એક મોલમાં ગ્રાહકે ગ્રોસરી સહિતની વસ્તુઓ ખરીદી હતી. કેસ કાઉન્ટર પર જતા ગ્રાહકે કેરી બેગની માંગણી કરી હતી. જેના જવાબમાં મોલના કર્મચારીએ કેરી બેગ મફત નથી તમારે થેલીના 4.5 રૂપિયા ચૂકવવાના રહેશે. જેથી ગ્રાહકે બે કેરીબેગના 9 રૂપિયા ચૂકવ્યા, બાદ ગ્રાહકે મોલ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા કોર્ટે મોલ પર 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સમગ્ર બાબતે ગ્રાહક તરફથી રજૂઆત કરવામાં આવી કે કેરી બેગ માટે ચાર્જ કરવો એ કાયદેસર યોગ્ય નથી. અન્ય શોપવાળા વસ્તુની ખરીદી બાદ મફતમાં બેગ આપે છે. ત્યારે મોલમાં કેરીબેગ માટે ગ્રાહક સાથે માથાકૂટ કરવામાં આવી રહી છે. ત્યારે મોલના વકીલે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે પ્લાસ્ટિકની કેરીબેગ પર પ્રતિબંધ છે. ત્યારે અલગ-અલગ ડિઝાઈનની થેલીઓ માટે હવે ચાર્જ લેવામાં આવે છે. કોર્ટે બંન્ને પક્ષની વાતો સાંભળ્યા બાદ અંતે ગ્રાહકના પક્ષમાં નિર્ણય લીધો હતો.