Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ રાજ્યમાં દારુબંધી અમલી છે. આ નિર્ણય પાછળનો હેતું એ હતો કે, ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ છે, ગુજરાતના લોકો દારુની બદીથી બચી શકે. રાજ્ય સરકારે, વર્ષ 2017માં દારુબંધીના કાયદામાં થયેલા સુધારા મુજબ, કોઈ વ્યક્તિ દારુનુ ઉત્પાદન, ખરીદી, વેચાણ કે હેરફેર કરે તો તેને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ગુજરાતમાં દારૂબંધી અવાર નવાર ચર્ચાનું કારણ બને છે, આ વખતે કોઇ રાજકીય નેતાઓએ આ મુદ્દો છેડ્યો નથી પરંતુ બહારના રાજ્યમાંથી ગુજરાત શિક્ષણ મેળવવા આવતા વિદ્યાર્થીઓ સહિતનાઓએ હાઇકોર્ટમાં દલીલ કરી છે કે અમને દારૂ પીવાની છૂટ આપવામાં આવે.
દારૂબંધીના કાયદાના અમલ પર રોક લગાવવા હાઇકોર્ટમાં પાંચથી પણ વધુ અરજી થઇ છે. તે પૈકી એક અરજી મૂળ બહારના રાજ્યોની અને ગુજરાતમાં એનઆઈડી અને આઈઆઈએમમાં ભણતી બે યુવતીઓએ કરી છે. તમામ અરજીઓમાં એવી રજૂઆત કરાઇ છે કે, રાજ્યભરમાં ઘરમાં બેસીને લોકોના દારૂ પીવાના અધિકાર પર તરાપ મારી શકાય નહીં. ગુજરાત બહારથી આવતા કેટલાક ડિગ્નિટરીઝ, બિઝનેસમેન અને ખેલાડીઓને દારૂ પીરસવામાં આવે છે. પરંતુ ગુજરાતના લોકોને ઘરમાં બેસીને દારૂ પીવા દેવા રોક લગાવી છે તે ભેદભાવયુક્ત નીતિ છે. અરજીમાં એવી દલીલ કરાઇ છે કે, દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. સરકાર કોઇ વ્યક્તિના દારૂના સેવન કરવાના અધિકારને પ્રતિબંધિત જાહેર કરી શકે નહીં. આહાર અને પીણા પીવાની પસંદગી પર દરેક માણસનો વ્યક્તિગત અધિકાર છે અને તેના પર સરકાર રોક લગાવી શકે નહીં. સરકારને વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર તરાપનો હક નથી.
અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ગુજરાત સિવાયના રાજ્યોમાં દારૂ પીવાને લીધે બહારથી આવતી કંપનીઓ મોટાપાયે રોકાણ કરી રહી છે. પણ ગુજરાતમાં દારૂબંધીને લીધે મોટી કંપનીઓ મૂડીરોકાણ કરવા પણ ખચકાય છે. બહારથી આવેલી કંપનીના લોકો માટે દારૂની છૂટછાટ મળતી હોય તો ગુજરાતના લોકો સાથે કેમ ભેદભાવ રાખવામાં આવે છે? અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ખ્રિસ્તી જાતિમાં વાઇન જેવા પીણા પીવા તે સંસ્કૃતિક પંરપરા છે. સરકારના દારૂબંધીના કાયદાને લીધે ખ્રિસ્તી જાતિની કેટલાક લોકોની પરંપરા પણ અવરોધાય છે. અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો કાયદો વ્યક્તિ સ્વાતંત્રય પર તરાપ સમાન છે. પરંતુ સરકાર બનાવેલા કાયદાને કારણે લોકોને ગુપ્તતાનો કે ખાણીપીણીની પસંદગીનો અધિકાર મળતો નથી. હવે દારૂબંધીને પડકારતી તમામ અરજીઓની એકસાથે સુનાવણી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટમાં થશે. સુનાવણી બાદ દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનું હનન થાય છે કે કેમ તે અંગે કોર્ટ અંતિમ નિર્ણય લેશે.