Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગુંચવાયેલા હેલમેટના મામલે નવા સમાચાર આવ્યા છે, હાઇકોર્ટમાં સરકારે દલીલ કરી છે કે હેલમેટ ફરજિયાત છે, એટલું જ નહીં બાઇકમાં પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. ગુજરાત સરકારે જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં હેલમેટ મરજીયાત કરવા માટે એક મૌખીક સુચના આપવામાં આવી હતી. આ મુદ્દે કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી. હેલમેટ ફરજીયાત જ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. સરકારની દલીલ બાદ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે રૂપાણી સરકારે કોઈ કારણ વગર હેલમેટ મરજિયાત કરી દીધું છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે ગુજરાત સરકારને ટકોર કરી હતી, જેના જવાબમાં સરકારે એવું બહાનું આગળ ધર્યુ હતું કે હાલ પુરતું સ્થગિત કરવામાં આવ્યું છે. બાદમાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે જો કેન્દ્ર કહેશે તો હેલમેટને ફરજિયાત બનાવવામાં આવશે.
સેન્ટ્રલ મોટર વિહીકલ એક્ટ 2019ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેક્શન 129 મુજબ હેલ્મેટ ફરજિયાત છે પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી એક પ્રેસ નોટ દ્વારા પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવો હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ 254 (2) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદા રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ અહિંયા ગુજરાત સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજીયાત કરી દીધું હતું.