Mysamachar.in-અમદાવાદઃ
છેલ્લા કેટલાક સમયથી ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર વિવિધ સિસ્ટમો સક્રિય થતા વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ આવી ચડી હતી. તો હવામાન ખાતાએ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે 27 અને 28 જાન્યુઆરીનાં રોજ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. 27 જાન્યુઆરીનાં રોજ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો 28 જાન્યુઆરીનાં રોજ વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
માવઠા બાદ ફરી ઠંડીનું જોર વધશે
રવિવારથી મંગળવાર ત્રણ દિવસ સુધી હવામાન અસ્તવ્યસ્ત રહી શકે છે. આ સાથે તારીખ 28નાં મંગળવારે પણ જામનગર, દિવ સહિતનાં પંથકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વરસાદી ઝાપટાં બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ શકે છે. પહેલા વરસાદ અને પછી ઠંડીથી જનજીવન પ્રભાવિત થઇ શકે છે. ઉત્તર તરફથી આવતા પવનો ઠંડી લાવશે અને દક્ષિણી પવનો વરસાદ લાવશે. ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. ફરી રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા તેમના વાવેતરને નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને રવિપાકને વધુ નુકસાન થશે જેમાં જીરું તથા રોકડિયા પાકને નુકસાન થશે.