Mysamachar.in-અમદાવાદઃ
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકોથી માંડી મોટેરાઓ સુધી બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે. ખાસ કરીને બાળકો પર સ્માર્ટફોનનું સૌથી વધુ ઘેલું લાગ્યું છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે તમારો મોબાઇલ ફોન હાલતું ચાલતું બીમારીનું ઘર છે ! સ્માર્ટફોનને કારણે સામાન્ય ઇન્ફેક્શનથી લઇને ગંભીર પ્રકારના રોગમાં સપડાવાનો ખતરો રહેલો છે. મોબાઇલ ફોનની મદદથી કેવી રીતે બીમારી ફેલાઇ છે અને તેનાથી બચવા શું કરવું તે અંગે ડોક્ટરોએ કેટલીક સાવચેતીરૂપ સલાહ આપી છે, આપણી સોસાયટીમાં જમ્યા પહેલા હાથ ધાવની ટેવ હજુ જૂજ લોકોમાં જ જોવા મળે છે, એવામાં ઉપયોગ બાદ મોબાઇલ ફોન સાફ કરવાની ટેવ હજુ લોકોને પડી નથી.
અમદાવાદના જાણીતા ફિઝીશિયનનું કહેવું છે કે મોબાઇલની ટચ સ્ક્રિન પર કરોડો બેક્ટેરિયા હોય છે. અનેક હાથમાં ફરતા હોય તેવા મોબાઇલ તો હરતું ફરતું બીમારી ફેલાવતા બેક્ટેરિયાનું ઘર બની જાય છે. ત્યારબાદ મોબાઇલના કવર પર પણ બેક્ટેરિયા હોય છે, આ બેક્ટેરિયા સામાન્યથી લઇને ગંભીર પ્રકારના રોગને આમંત્રણ આપી શકે છે. મોબાઇલ ફોનમાં ક્લેપ્સેલા, સુડોમોના, ઈકોલાઈ જેવા બેક્ટેરિયા વધુ જોવા મળે છે. આ બેક્ટેરિયાથી કારણે સ્કીનમાં રિએક્શન, કાનના રોગ, હાથથી નાકમાં ટ્રાન્સફર થાય તો શરદી ખાસી, પેટના રોગો થઈ શકે છે. એટલે જ હંમેશા મોબાઈલ સ્ક્રીનને સાફ રાખવી. જે હેન્ડ સેનીટાઈઝર બજારમાં મળે છે તેનાથી મોબાઈલ સ્ક્રીનને સાફ રાખવી જોઈએ. એન્ટી સેપ્ટીક સોલ્યુશનથી પણ એક કોટનના કપડાથી મોબાઈલ સ્ક્રીનને સાફ રાખી શકાય છે. તેમજ મોબાઈલના કવરને પાણી અને ક્લિનર વડે સાફ રાખવા, જમતી વખતે મોબાઈલના ઉપયોગને ટાળવો જોઇએ.