Mysamachar.in-અમદાવાદઃ
સ્માર્ટફોન અને ઇન્ટરનેટ આવ્યા પછી યુવાપેઢી અવળા રવાડે ચડી હોવાના અનેક ઉદાહરણ છે, જેમાં વેલ એજ્યુકેટેડ યુવાનો પણ સામેલ છે. આવો જ એક CAનો અભ્યાસ કરતો યુવક એવી ઠગ ટોળકીની વાતોમાં આવી ગયો કે હવે તેને પછતાવો થઇ રહ્યો છે. મૂળ મહેસાણા અને નવરંગપુરામાં આવેલા સ્થાનકવાસી જૈન છાત્રાલયમાં રહેતા વૈભવ શાહ નામના યુવકે 20મી નવેમ્બરનાં રોજ ઓનલાઇન ફ્રેન્ડશીપ માટે સર્ચ કર્યું હતું. બાદમાં એક મહિલાએ તેનો સંપર્ક સાધ્યો અને ક્લબમાં જોડાવવા માટે ત્રણ માસના એક હજારની માંગણી કરી, મહિલાઓ સાથે ડેટિંગ કરવા મળશે તેવી આશાએ વૈભવે એક હજાર ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા, બાદમાં ઠગ ટોળકી દ્વારા વૈભવના ફોનમાં અનેક યુવતીઓના ફોટો મોકલવામાં આવ્યા જેમાંથી એક યુવતી પસંદ કરવામાં આવ્યું. જેવું વૈભવે એક યુવતી પસંદ કરી તો નેહા નામની યુવતીનો ફોન આવ્યો અને કહ્યું કે સેફ્ટી કોડ લેવો પડશે આ માટે 16500 ભરવા પડશે, આમ આ સિલસીલો આગળ ચાલ્યો અને અલગ અલગ બહાના કરી વૈભવ પાસેથી 44 હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા. પૈસા ભર્યા પછી પણ લાભ ન મળતાં અંતે વૈભવે પોલીસમાં છેતરપીંડિની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.