Mysamachar.in-અમદાવાદઃ
આમ તો કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા જ તોડ કરવાની અનેક ઘટનાઓ બની ગઇ છે, જો કે આ વખતે પૂર્વ IPS રમેશ સવાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ કેવી કેવી કરતૂતો કરતાં તે અંગે ફેસબૂક પર વિગતે જણાવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે PI દ્વારા SPને હનિટ્રેપમાં ફસાવ્યા અને તોડ કર્યો, એટલું નહીં તેમને પણ હનિટ્રેપમાં ફસાવવાનો પ્લાન ઘડાયો હતો, જો કે તેઓએ સાવચેતી રાખી એટલે બચી ગયા. પૂર્વ IPS રમેશ સવાણીએ જણાવ્યું કે રાજ્યમાં હનિટ્રેપ ચલાવતી 150 જેટલી ગેંગ સક્રિય છે. કેવી રીતે હનિટ્રેપનું રેકેટ ચાલે છે અને તેનાથી કેવી રીતે બચવું તે માટે કેવી કેવી તકેદારી અને સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિસ્તાર પૂર્વક લખ્યું છે.
પૂર્વ IPS રમેશ સવાણીએ લખેલી પોસ્ટ શબ્દશઃ 'ભારતમાં કોઈ પુખ્ત વયના સ્ત્રી-પુરુષ કોઈ જગ્યાએ એકાંતમાં મળે તો IPC કે બીજા કોઈ કાયદા હેઠળ ગુનો બનતો નથી. બે પુખ્તવયની વિજાતીય વ્યક્તિઓ પોતાની કુદરતી ઈચ્છા સંતોષવા ખાનગીમાં મળે, તેમાં કોઈ વાંધો ઊઠાવી શકે નહીં. સેક્સુઅલ સેટિસ્ફેક્શન હ્યુમન રાઈટ છે. કેટલાંક કિસ્સામાં લુખ્ખા તત્વો, ‘મેનકા’ પ્લાન્ટ કરે છે, અને પુરુષ આગળ વધે તે પહેલા હોટેલનો ડોર ખખડે છે. પોલીસની હાજરી જોઈને પુરુષના મોતિયા મરી જાય છે. શિકારીને મઝા પડી જાય ! કોઈ પુરુષ સામનો કરે તો અથવા તોડ ન થાય તો પોલીસ, ‘જાહેરમાં નિર્લજ્જ વર્તન કરતા હતા’ એમ કહીને ગુજરાત પોલીસ એક્ટ, કલમ-110 હેઠળ સાવ ખોટો કેસ કરે છે ! હું અમદાવાદ રુરલ/સાબરકાંઠા/જૂનાગઢ/મહેસાણા SP હતો ત્યારે કલમ-110 હેઠળ ખોટા કેસ ન થાય તે માટે તાબાના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. ગાર્ડન કે કોઈ એકાંત જગ્યાએ પ્રેમીપંખીડા બેઠા હોય ત્યારે બનાવટી પોલીસ કે સાચો પોલીસ છોકરીને કહે છે કે ‘તારા પપ્પા સાથે વાત કરાવ’ પ્રેમીપંખીડા ડરી જાય છે. તેમની પાસેથી કાંડા ઘડિયાળ/સોનાનો દોરો/સોનાની વીંટી/પૈસા પડાવે છે. કોઈ પુરુષ ઉપર કોઈ મહિલાનો ફોન આવે અને મીઠી વાતો કરે તો એ પુરુષ હનીટ્રેપનો શિકાર બની શકે છે. હનીટ્રેપ પાછળ ચોક્કસ ગેંગ હોય છે. હનીટ્રેપ શામાટે? મુખ્ય કારણો આ છે : [1] તોડ કરવા, પૈસા પડાવવા. [2] ગુપ્ત માહિતી કઢાવવા. [3] પ્રતિષ્ઠા ખરડવા, બ્લેકમેલ કરવા. [4] હરિફને પછાડવા. [5] ઉપરી અધિકારીઓને/માલિકને/શેઠને ઓબ્લાઈઝ કરવા.
મેનકાને જોતા જ સ્વામિઓના તપ ઉપર પણ પાણી ફરી વળે છે ! પુરાણા ગ્રંથોમાં આવા અનેક કિસ્સાઓ છે. પુરુષની આ માનસિકતાના કારણે હનીટ્રેપમાં ગુનેગારોને સફળતા મળે છે. હનીટ્રેપ એટલે આંકડે મધમાખી વિનાનું મધ ! નિચોવાય તેટલું નિચોવી લો ! ગુજરાતના દરેક શહેરોમાં આ દૂષણ ફેલાયેલું છે; 150 જેટલી ગેંગ કાર્યરત છે. સુરતમાં એક બહાદુર યુવાન છે, વિપુલ દેસાઈ. તેણે ઓગષ્ટ 2018 માં, સ્ટિંગ ઓપરેશન દ્વારા હનીટ્રેપ કરનાર કિસ્મત ઉર્ફે કાનો કાળુ ધાધલ અને ગોવિંદ દેવશી રોજિયાનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગમાં 19 થી 23 વર્ષની ચાર છોકરીઓ સામેલ હતી. આ ગેંગે 22 પુરુષો પાસેથી 1 કરોડ 10 લાખનો તોડ કર્યો હતો ! બીજી એક ગેંગે સુરતની એક સહકારી બેન્કના પ્રમુખ પાસેથી 17 લાખ અને એક ધારાસભ્ય પાસેથી 45 લાખનો તોડ કર્યો હતો. બિઝનેસમેન/રાજકીય-સામાજિક નેતાઓ/ધર્મગુરુઓ/NRI/અધિકારીઓ પાસે પૈસા હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. 2019 માં એક સ્વામિનારાયણ સાધુને હનીટ્રેપમાં ફસાવી બે વખત મોટો તોડ કરેલ; ત્રીજી વેળાએ પૈસા ન આપ્યા એટલે IPC કલમ-376 હેઠળ યુવતીએ રેપની ફરિયાદ કરી; અંતે હાઈકોર્ટે આ ફરિયાદ Quash-રદ કરી હતી. હનીટ્રેપમાંથી મળતી રકમમાંથી 25 % ગ્રાહક મોકલનારને, 25 % ઓરિઝનલ પોલીસને, 25 % ગેંગ લીડરને, અને 25 % યુવતીને મળે છે. ગેંગ મોબાઇલ ઉપર કોડવર્ડમાં વાત કરે છે; યુવતીનો કોડ ‘પેપર’ હોય છે ! હનીટ્રેપનો શિકાર બનનાર આત્મહત્યા કરતા હોય છે. કેટલાંક કિસ્સામાં વ્યાજખોરો ‘શિકાર’ને ઊંચા દરે નાણા ધીરતા હોય છે !
હનીટ્રેપનો શિકાર ન બનો તે માટે આટલી તકેદારી/સાવચેતી લેવી જોઈએ : [1] કોઈ યુવતીનો સામેથી ફોન આવે; મળવા આવે; મીઠીમીઠી વાત શરુ કરે તો સતર્ક થઈ જાવ. સાવચેતીમાં જ સુખશાંતિ છે. [2] તમારો નજીકનો સંબંધી/મિત્ર ગેંગનો એજન્ટ હોઈ શકે છે. [3] દેખીતી કોઈ આવક ન હોય છતાં મોંધી કારમાં ફરતા/મોંઘી લઈફસ્ટાઈલમાં જીવતા એજન્ટ હોઈ શકે છે; તેનાથી ચેતો. [4] નીચેના પોલીસ અધિકારીને મળવાને બદલે IPS અધિકારીનો સંપર્ક કરો. ઉચ્ચ મહિલા પોલીસ અઘિકારીનો સંપર્ક કરો. [5] પ્રતિષ્ઠિત NGOની મદદ મેળવો. [6] પોલીસ કંટ્રોલ નંબર 100 ઉપર તરત જ જાણ કરો. [7] નગ્ન કરાવી, ફોટા પાડી લે અને પછી ખંડણી માંગે તો તુરંત જ સીનિયર પોલીસ અધિકારીને રુબરુ મળો અને ફરિયાદ આપો. ગેંગ ઉપર એક-બે FIR થાય તો લુખ્ખાઓનું મનોબળ તૂટી જાય છે. [8] સંકોચ છોડી ફરિયાદ કરશો તો બીજા લોકો ભોગ બનતા અટકશે. [9] રાજ્યના હોમ સેક્રેટરી/રાજ્યના પોલીસ વડાને email થી ફરિયાદ મોકલો. [10] મિત્રોને/ઘરના સભ્યોને સાચી હકીકત જણાવી તેમની મદદ લો. આત્મહત્યાનો વિચાર કદી ન કરો. અન્યાયનો સામનો કરો.
કોમી તોફાનો પછી, 2002 માં હું અમદાવાદ રુરલમાં SP હતો. જુહાપુરા વિસ્તારમાં એક સદભાવના સંમેલનમાં મેં લોકોને શાંતિ માટે અપીલ કરી હતી. થોડા દિવસ પછી મારા મોબાઈલમાં બપોરના 2.30 વાગ્યે એક યુવતીનો ફોન આવ્યો. તેણે કહ્યું : “સર, જુહાપુરામાં તમે જે સ્પીચ આપી તેનાથી હું ખૂબ પ્રભાવિત થઈ ગઈ છું. હું રુબરુ મળવા માંગું છું.” બે દિવસ પછી ફરી ફોન આવ્યો; અને યુવતી વખાણ કરવા લાગી. મને શંકા ગઈ. એ પછી ત્રણ-ચાર ફોન આવ્યા. દરેક ફોન બપોરના 2:30 ની આસપાસ આવતા હતા. મને વધુ શંકા ગઈ. મેં એ યુવતીની કોલ ડીટેઈલ મેળવી. હું ચોંકી ગયો. એ યુવતી એક PIની સાથે સંપર્કમાં હતી. આ PI, LCB-લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં હતા. બપોરના 2:30 ની આજુબાજુ આ PI અને પેલી યુવતીનું લોકેશન એક જગ્યાએ હતું ! મતલબ આ PI પોતાના SPને હનીટ્રેપનો શિકાર બનાવી રહ્યો હતો ! મારી અગાઉના એક SPને, આ PIએ હનીટ્રેપમાં ફસાવેલ. યુવતીને મોટી રકમ SP પાસેથી અપાવેલ. PIને અડધા પૈસા મળ્યા અને SP સાહેબ ઉપર હાથ પણ રહ્યો ! પરંતુ એ વખતના SP આજ દિવસ સુધી એવું જ માને છે કે PIએ મને બદનામીમાંથી બચાવ્યો ! વિચારો; જે PI પોતાના SPને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવે તેણે લોકોના કેટલા તોડ કર્યા હશે? આઘાત લાગે તેવી હકીકત તો એ છે કે આ અધિકારી નિવૃત થયા ત્યારે તેને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું !'