Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં હમણા જ માર્ગ સલામતી સપ્તાહ પૂર્ણ થયું છે, ત્યાં જ અકસ્માતોની વણથંભી વણઝાર સામે આવી રહી છે, આજે રાજ્યમાં એવા બે અકસ્માતો સામે આવ્યા છે, જેમાં કુલ આઠ લોકોએ પોતાની મહામુલી જિંદગીને ખોઈ દીધી છે, એક અકસ્માતમાં પાંચ જયારે બીજા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા હાઇવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો હતો, છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર-રાજકોટ સિક્સલેન રોડ વાઇડનિંગનું કામ ચાલી રહ્યું છે તેવામાં અકસ્માતોની વણથંભી વણઝારથી નેશનલ હાઇવે લોહીલૂહાણ બન્યો છે. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમને લિંબડીની સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
અમદાવાદથી બગોદરા હાઈવે અને લીંબડી હાઈવે પર બે જુદા જુદા અકસ્માતમાં 8 લોકોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાછે, તો ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સોમનાથ દાદાના દર્શને કાર લઈને જતાં અમદાવાદના પરિવારને સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથેના આ અકસ્માતમાં એક જ પરિવારનાં 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માતને કારણે લીંબડી હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. તો સવારે 6 વાગ્યા આસપાસ બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઉભેલા ડમ્પર પાછળ કાર ઘુસી જતાં 3 લોકોના મોત નિપજ્યા છે.