Mysamachar.in-અમદાવાદઃ
કેટલાક ટીખળખોર યુવકો ઉંધા રવાડે ચડી સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી રહ્યાં છે. આવી જ એક ઘટના અમદાવાદમાં નોંધાઇ છે, અહીં ઇંસ્ટાગ્રામ પર કેટલીક ફેક આઇડીમાંથી મહિલા તથા તેની દીકરી અને પતિને બિભત્સ મેસેજ તથા ગાળો આપવામાં આવી, આ મામલે મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે બોડકદેવ વિસ્તારમાં રહેતી મહિલાએ ફરીયાદમાં જણાવ્યું કે પોતે તથા પોતાના ઘરના અન્ય સભ્યો ઈંસ્ટાગ્રામ સોશીયલ મિડીયા વેબસાઇટ પર અલગ અલગ પ્રોફાઇલો ધરાવે છે, છેલ્લા કેટલાક દિવસથી પતિના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણી પ્રોફાઇલ risk686 પરથી બિભત્સ મેસેજ તથા ગાળો આપવાનું શરૂ થયું. મહિલા તથા તેના પરિવારે આ મેસેજનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ આવું સતત ત્રણથી ચાર દિવસ ચાલુ રહેતાં અંતે કંટાળી મહિલાએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધ્યો હતો.
12 ફેક આઇડી બનાવી
ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ તથા સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ પુરાવા એકત્રીત કરવાનું શરૂ કર્યું, જેમાં બહાર આવ્યું કે આ બિભત્સ મેસેજ આણંદમાં રહેતા 22 વર્ષિય જીલ ઉપાધ્યાય નામના યુવકે કર્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી, જેમાં યુવકે જણાવ્યું કે તે અગાઉ અમદાવાદ ફરવા આવ્યો હતો, આ દરમિયાન કૌટુંબીક કાકાને ત્યાં રોકાયો હતો, આ દરમિયાન તેમની દીકરી સાથે સોશિયલ મીડિયામાં વાતચીત શરૂ થઇ, જો કે યુવક તરફથી અવાર નવાર યુવતીને હેરાન કરવામાં આવતી, જે અંગે યુવતીએ ફરિયાદ કરતાં યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને જાણ કરી હતી. બાદમાં યુવકના પિતાએ ઠપકો આપતાં યુવક રોષે ભરાયો અને બાદમાં યુવતીના પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. યુવકે અત્યારસુધીમાં thakkar, Rikin, Dhruv, Ishi.ta7992, darshil, heenu, riks686, Yagnesh, Hrshad, Jinu8952, kishu1350, heena એમ કુલ – ૧૨ ફેક ઇંસ્ટાગ્રામ આઇ.ડી.ઓ બનાવેલ હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે.