Mysamachar.in-અમદાવાદઃ
દર વર્ષે યોજાતી ECON નામની રાષ્ટ્રીય કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ કોન્ફરન્સમાં ન્યૂરોમોડ્યુલેશન, VNS, RNS, DBS. RTFC, લેઝર, ઓપ્ટીકલ કોહેરન્સ, TMS, જીન થેરાપી, સ્ટેમ સેલ થેરાપી, ઈમ્યુન થેરાપી વગેરે જેવા વાઈ-આંચકી-ખેંચનાં અદ્યતન સંશોધનો અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દિવસે જણાવવામાં આવ્યું કે ભારતમાં 10 મિલિયન લોકો વાઈ-આંચકી-ખેંચથી પીડાતા હોવાનો અંદાજ છે, જે વિશ્વમાં દર્દીઓની સરખામણીમાં છઠ્ઠો ભાગ છે. ગુજરાતમાં વાઈ-આંચકી-ખેંચનાં 6 થી 7 લાખ દર્દીઓ હોવાનો અંદાજ છે. ત્રણ ચતૃથાંશ દર્દીઓનાં કિસ્સામાં આ રોગનો સંપૂર્ણ ઉપચાર શકય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રોગ અંગે ચાલી રહેલા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીનાં કારણે વાઈ-આંચકી-ખેંચનો ઉપચાર વધારે સારા નિયંત્રણ સાથેનો અને દર્દીની વધુ સારી સંભાળ સાથે શક્ય બન્યો છે.
શું છે આ રોગનો ઇલાજ ?
મગજનું વાયરલ ઈન્ફેકશન અને રોડ ટ્રાફિક એક્સિડેન્ટસનાં કિસ્સાઓમાં વાઈ-આંચકી-ખેંચને વધુ સારી રીતે અટકાવી શકાય છે. ત્રણ ચતૃથાંશ દર્દીઓને ઉપચારથી નિયંત્રણમાં લાવી શકાય છે, જેમાંથી ત્રણ વર્ષનાં અંતે 50 ટકા દર્દીઓ સંપૂર્ણ રોગ મુક્ત થઈ શકે છે. પ્રોફેસર ડોક્ટર સુધીર શાહે જણાવ્યું કે, ગુજરાતમાં વાઈ-આંચકી-ખેંચનાં જૂજ સારસંભાળ કેન્દ્રો છે, જ્યારે ત્રિવેન્દ્રમ, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં ઘણા એડવાન્સડ સેન્ટર્સ છે. આ કોન્ફરન્સમાં માત્ર ન્યૂરોફિઝીશયન્સને જ જ્ઞાનનો લાભ મળશે તેવું નથી, પરંતુ તેમાંથી વિદ્યાર્થીઓ એપીલેપ્ટોલોજીસ્ટીસ, દર્દીઓ વગેરેને પણ તાલીમ મળશે.