Mysamachar.in-અમદાવાદઃ
ગત વર્ષ એટલે કે 2019 ટ્રાફિકના નિયમોને કારણે યાદગાર રહેશે, હવે વર્ષ 2020 વાહનોમાં સેફ્ટીને લઇને યાદ રહી શકે છે. ટ્રાફિક નિમયોમાં આગામી સમયમાં સેફ્ટી ફિચર્સ પર વધુ ધ્યાન આપવામાં આવી શકે છે. એપ્રિલ 2020માં નવા એમિશન નોર્મ્સ લાગુ કર્યા બાદ હવે ઓટો કંપનીઓએ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC)અને ઓટોનોમસ ઇમરજન્સી બ્રેક સિસ્ટમ (AEB) જેવાં સેફ્ટી ફીચર્સ ફરજિયાત કરવાના રહેશે. ESC અને AEB જેવાં સેફ્ટી ફીચર્સ વિશ્વના મોટાભાગના વિકસિત દેશો દ્વારા લાગુ કરવામાં આવ્યાં છે. રિપોર્ટ્સ મુજબ, ભારત સહિત 6 દેશો તેને લાગુ કરીને વાર્ષિક આશરે 1.50 લાખ રસ્તા પર થતાં મૃત્યુને અટકાવી શકે છે. તેથી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારત પર આ બંને સુવિધાઓને ફરજિયાત બનાવવા દબાણ લાવવામાં આવી રહ્યું છે.
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ ટેક્નિક વાહનને સ્લીપ થતાં બચાવે છે અને જ્યારે ડ્રાઇવર સ્ટિયરિંગ વ્હીલ પર કન્ટ્રોલ ગુમાવી બેસે તો ESC ટેક્નિક સ્ટિયરિંગ વ્હીલ એન્ગલ અને વાહનની સ્પીડ અનુસાર વાહનને કન્ટ્રોલ કરે છે. તેમજ, અકસ્માતની ઘટનામાં ESC ઓટોમેટિકલી બ્રેક અપ્લાય કરી દે છે અને એન્જિનનો પાવર મેનેજ કરે છે. ભારત સરકારે ડ્રાઇવર સાઇડ એરબેગ્સ, AEB (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવાં ફીચર્સ નવાં વાહનો માટે ફરજિયાત બનાવી દીધાં છે.
વાહનોમાં સેફ્ટી ફિચર્સ વધવાને કારણે તેની સીધી અસર તેની કિંમત પર પડે એ સ્વાભીક જ છે. ત્યારે આ સેફ્ટી ફિચર્સ ભારતમાં વર્ષ 2022-23 સુધીમાં લાગુ કરવામાં આવી શકે છે. ESC લગાવવાનો અંદાજીત ખર્ચ 3,543 રૂપિયા આવશે. તેમજ, AEB લગાવવાનો ખર્ચ 1417થી 2000 રૂપિયા થઈ શકે છે. એટલે કે, વાહનમાં બંને ફીચર્સ લગાવવામાં આવે તો વાહનની કિંમત 10 હજાર રૂપિયા વધી શકે છે.