Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજમાં તાંત્રિક વિધિ કરાવવાનું કહી કિન્નરો કળા કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. થલતેજમાં આવેલા આરોહી એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતાં આરતી પાબારી ગુરૂવારના રોજ નોકરીએથી ઘરે આવ્યા ત્યારે તેમની સામેના ઘરની બહાર બે કિન્નરો ઉભા હતા. ઘર બંધ હોવાથી તેઓએ આરતીબહેનને પાણી પીવડાવવાનું કહ્યું હતું. જેથી આરતીબેનના પિતાએ કિન્નરોને ઘરમાં બેસાડ્યા અને ચા પાણી કરાવ્યા હતા. બાદમાં કિન્નરોએ આરતીબેનના પિતાને કહ્યું કે ઘરમાં દુખ, દર્દ છે જેથી વિધિ કરાવવી પડશે. આટલું કહેતા જ કિરીટભાઇએ વિધી માટે હા પાડી દીધી હતી. બાદમાં કિન્નરોએ પાણી મંગાવી તેમાં કંકુ, ચોખા, મીઠું મરચું નાખી વિધી કરી હતી. બાદમાં પરિવારમાં કોણ કોણ છે તે બાબતે પૂછપરછ કરી 11 હજાર રૂપિયા પૂજામાં મૂકવા કહ્યું હતું.
જો કે રોકડા ન હોવાથી કિન્નરોએ ચાર દાગીના મૂકવાનું કહેતા આરતીબહેને ચાર દાગીના મૂક્યા હતા. બાદમાં શુદ્ધિકરણ કરવાના બહાને કાળા કપડામાં આ દાગીના મૂકીને આવીએ છીએ, જમવાનું રાખજો તેમ કહી કિન્નરો ત્યાંથી જતા રહ્યા, ત્યારબાદ કલાકોનો સમય વીતી ગયા છતાં બંને કિન્નરો પરત ન આવતાં કંઇક ખોટું થયાની આશંકા જાગી, બાદમાં આરતીબહેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ સવાલ એ થાય કે છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિદ્યાના નામે છેતરપીંડિની અનેક ઘટનાઓ બની રહી છે, એવામાં શિક્ષિત લોકો પણ આવી લેભાગુ તત્વોની વાતમાં કેમ આવી ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે.