Mysamachar.in-અમદાવાદઃ
અન્ય ક્રાઇમની ઘટનાની સરખામણીએ હવે સાયબર ક્રાઇમની ઘટના વધુ બની રહી છે, ત્યારે આવી ઘટનાને અટકાવવા માટે પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી એક ખાસ પ્રોજેક્ટની શરૂઆત કરાશે, આ પ્રોજેક્ટનું નામ સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ રાખવામાં આવ્યું છે. વિશ્વાસ એટલે કે શહેરોમાં CCTVનું મોટું નેટવર્ક ઉભું કરાશે, તો સાયબર અશ્વસ્ત એટલે કે ડિજિટલ ગુનાખોરી પર અંકુશ મેળવવાના પ્રયાસો હાથ ધરાશે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV નેટવર્કની મદદથી શહેરભરમાં એક જ જગ્યાએ બેસીને નજર રાખવામાં આવશે. CCTVનીની મદદથી શહેરોના ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમમાં પણ મદદરૂપ થઇ શકાશે. સાયબર અશ્વસ્તની વાત કરીએ તો ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ હાલ માથાનો દુખાવો બની ગયો છે, એવામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે સાયબર અશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાશે, આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અધિકારીને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં ગમે તેટલા ટેલેન્ટેડ સાયબર ગુનેગારોને લોકોના રૂપિયા ખંખેરતા અટકાવી શકાશે.
છેલ્લા કેટલાક સમયથી બેંક એટીએમમાં છેડછાડ, મોબાઇલ ફોન પર OTP સહિતની વિગતો મેળવી છેતરપીંડિ કરવી, ઓનલાઇન લિંક મોકલી પૈસા પડાવી લેવા વગેરે ઘટનાઓ ચરમસીમાએ છે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિને પોતાના નાણાં પરત મળ્યાના ઉદાહરણ ખૂબ જ ઓછા છે, એવામાં ફરિયાદ નોંધાયા બાદ પણ ક્યાંકને ક્યાંક પોલીસ ટીમ પાછી પડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ હવે ગૃહમંત્રી અમિત શાહના હસ્તેથી 11મી જાન્યુઆરીથી શરૂ થનારા આ સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટથી કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.