Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાતે માતેલા સાંઢની માફક બેફામ બનેલા ડમ્પર ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડમ્પર ચાલકને પકડી માર મારવાનું શરૂ કરી દીધું હતું, જો કે બાદમાં પોલીસ ટીમે મામલો થાળે પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે મહેશ કાર્ટિંગ નામની કંપનીનું ડમ્પર ખોખરા વિસ્તારમાંથી પસાર થતું હતું ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા નજીક આવેલા અનુપમ સિનેમા પાસેના રોડ પર ચાર વાહનચાલકો તેની અડફેટે લીધા હતા, ઘટનામાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા, ઉશ્કેરાયલા લોકોએ ડમ્પર ચાલકને પકડી માર મારવાનું શરૂ કરી દીધું હતું , જો કે પરિસ્થિતિ વણસે નહીં માટે પોલીસના 12થી વધુ વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં મોડી રાત્રે ફૂલસ્પીડમાં દોડતા ડમ્પર ચાલકો સામે આકરા પગલા લેવા લોકોએ માગણી કરી છે.